Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
Gujarat Politics: કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં વસાવાનો ધડાકો: ફોરેસ્ટ ઓફિસર પાસે 50 લાખ અને પીએમના કાર્યક્રમની એજન્સી પાસે 75 લાખ માંગ્યાનો સનસનાટીભર્યો આરોપ.

Gujarat Politics: ભરૂચના ભાજપના સાંસદ અને આદિવાસી નેતા મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી (AAP) ના નેતાઓ પર ભ્રષ્ટાચાર અને ખંડણી (તોડપાણી) ના અત્યંત ગંભીર આરોપો લગાવ્યા છે. ગાંધીનગર સ્થિત કમલમ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વસાવાએ દાવો કર્યો હતો કે આપના નેતાઓ જનસેવાના નામે અધિકારીઓ અને એજન્સીઓ પાસે નાક દબાવીને પૈસા વસૂલે છે. તેમણે ચોક્કસ આંકડા સાથે આક્ષેપ કર્યો હતો કે એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસેથી 50 લાખ અને પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં કામ કરતી એજન્સી પાસેથી 75 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. વસાવાએ આ મામલે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી અમિત શાહ સુધી રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે.
"આપના નેતાઓ એજન્ટ બનીને ફરે છે"
મનસુખ વસાવાએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો ડોળ કરતા આમ આદમી પાર્ટીના નેતાઓ વાસ્તવમાં 'એજન્ટ' જેવી ભૂમિકા ભજવી રહ્યા છે. તેમનો આરોપ છે કે આદિવાસી (ટ્રાઈબલ) જિલ્લાઓમાં થતા વિકાસના કામોમાં ક્ષતિઓ શોધવી એ સારી બાબત છે, પરંતુ આ નેતાઓ સંકલન બેઠકોમાં મુદ્દા ઉઠાવે છે અને ત્યારબાદ પડદા પાછળ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે 'તોડપાણી' કરે છે. વસાવાએ કહ્યું કે સ્થિતિ એવી થઈ ગઈ છે કે "ચોર સાહુકારને દંડે" તેવો ઘાટ સર્જાયો છે.
50 લાખ અને 75 લાખના તોડનો ઉલ્લેખ
પોતાના આક્ષેપોને વધુ ચોક્કસ બનાવતા સાંસદે બે કિસ્સા ટાંક્યા હતા:
ફોરેસ્ટ ઓફિસર કાંડ: વસાવાએ દાવો કર્યો કે એક વર્ષ અગાઉ AAP ના એક નેતાએ રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસેથી 50 લાખ રૂપિયાનો તોડ કર્યો હતો.
PM ના કાર્યક્રમમાં ઉઘરાણી: નર્મદા જિલ્લામાં યોજાયેલા પ્રધાનમંત્રીના બે ભવ્ય કાર્યક્રમોમાં થયેલા ખર્ચ અને ડોમ બનાવવા જેવી બાબતો પર વિપક્ષે સવાલો ઉઠાવ્યા હતા. વસાવાએ આક્ષેપ કર્યો કે આ કાર્યક્રમ સંભાળતી એજન્સીના નંબર મેળવીને આપના નેતાએ તેમની પાસે 75 લાખ રૂપિયાની માંગણી કરી હતી.
ગરૂડેશ્વર મ્યુઝિયમ અને જમીન કૌભાંડનો આક્ષેપ
વસાવાએ ગરૂડેશ્વર ખાતેના આદિવાસી મ્યુઝિયમમાં કામ કરતા બે શ્રમિકોના મૃત્યુનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે મૃતકોના પરિવારને તો વળતર મળ્યું, પરંતુ રાજકીય નેતાઓએ એજન્સી પાસેથી આ ઘટનાના નામે પણ તોડ કર્યો હતો. આ ઉપરાંત, તેમણે AAP નેતા નિરંજન વસાવા પર સીધો પ્રહાર કરતા પૂછ્યું હતું કે, તેમણે કેવડિયા વિસ્તારમાં પોતાની પત્નીના નામે કરોડો રૂપિયાની જમીન ખરીદી છે, તેના પૈસા ક્યાંથી આવ્યા? આ ભ્રષ્ટાચારના પુરાવા રૂપે પોતાની પાસે એક પત્ર હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.
કોંગ્રેસ નેતાના વખાણ અને પક્ષમાં રહેલા મૌન નેતાઓ પર કટાક્ષ
આશ્ચર્યજનક રીતે, મનસુખ વસાવાએ નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજિત તડવીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે એક પત્રમાં કોંગ્રેસ નેતાનું નામ પણ હતું, પરંતુ રણજિત તડવીએ તોડ કરવા ગયેલા વ્યક્તિને ખખડાવી નાખ્યો હતો અને પૈસા લેવાની ના પાડી હતી, જે બિરદાવવા જેવું છે. સાથે જ તેમણે પોતાના પક્ષના ચૂપ રહેતા નેતાઓ પર કટાક્ષ કરતા કહ્યું કે, "મારા સિવાય કોઈ બોલતું નથી, અને જે નેતાઓ આ તોડપાણી સામે નથી બોલતા તેઓ કદાચ આવા લોકો સાથે મળેલા હોઈ શકે છે."
વિકાસ રૂંધાવાની ભીતિ
મનસુખ વસાવાએ ચેતવણી ઉચ્ચારી હતી કે જો ટ્રાઈબલ વિસ્તારમાં આવી જ રીતે ઉદ્યોગો અને એજન્સીઓને ડરાવી-ધમકાવીને તોડપાણી ચાલશે, તો ગુજરાતનો વિકાસ રૂંધાઈ જશે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભ્રષ્ટાચાર કરનાર વ્યક્તિ ભલે મારી સાથે ફરતો હોય કે અન્ય પક્ષનો હોય, હું તેને ખુલ્લો પાડ્યા વગર રહીશ નહીં. આ બાબતે તેઓ પ્રદેશ કક્ષાએ તેમજ દિલ્હી હાઈકમાન્ડને રજૂઆત કરશે.





















