AAP MLA Chaitar Vasava: વન વિભાગના કર્મચારી પર હુમલો કરવા અને હવામાં ફાયરિંગ કરી ખંડણી માંગવાના ચકચારી કેસમાં આજે રાજપીપળા સેશન્સ કોર્ટે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ફાયરબ્રાન્ડ ધારાસભ્ય ચૈતર વસાવાને દોષિત ઠેરવીને સાત વર્ષની સખત જેલની સજા સંભળાવી છે. 

Continues below advertisement

કોર્ટે આ મામલામાં ચૈતર વસાવાની સાથે સાથે તેની પત્ની શકુંતલા વસાવા સહિત અન્ય 9 આરોપીઓને પણ સાત-સાત વર્ષની જેલની સજા ફટકારી છે, સાથે જ તમામ પર કુલ રૂપિયા 96 હજારનો દંડ પણ લગાવ્યો છે. અદાલતના આ કડક વલણ બાદ હવે ધારાસભ્ય ચૈતર વસાવાએ જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. જોકે, કાયદાકીય રાહત મેળવવા માટે ચૈતર વસાવા આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરે તેવી પૂરેપૂરી સંભાવના છે.

Continues below advertisement

આ સમગ્ર વિવાદની વિગત એવી છે કે ઓક્ટોબર 2023માં ડેડિયાપાડા વિસ્તારમાં જંગલ ખાતાની જમીન પરના દબાણ હટાવવાના મુદ્દે વનકર્મીઓ અને સ્થાનિકો વચ્ચે વિવાદ થયો હતો. આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના પાંચ અધિકારીઓને પોતાના નિવાસસ્થાને બોલાવ્યા હતા. આરોપ અનુસાર, સત્તાના નશામાં ધારાસભ્ય અને તેમના સમર્થકોએ વનકર્મીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરીને એક કર્મચારી પર શારીરિક હુમલો કર્યો હતો. આટલું જ નહીં, વનકર્મીઓને ડરાવવા માટે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું અને વળતરની માંગણી કરવામાં આવી હતી. આ ઘટના સંદર્ભે વનકર્મીઓએ નવેમ્બર 2023માં ડેડિયાપાડા પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.

રાજપીપળા સેશન્સ કોર્ટમાં લાંબી ન્યાયિક પ્રક્રિયા, સાક્ષીઓની જુબાનીઓ અને સરકારી વકીલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખતા ન્યાયાધીશે આ હુમલાને સરકારી ફરજમાં ગંભીર રુકાવટ અને કાયદાનું ઉલ્લંઘન ગણીને આકરો ચુકાદો આપ્યો છે. આ ચુકાદાને પગલે ગુજરાતના રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં આમ આદમી પાર્ટી માટે આ એક બહુ મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે.