Gujarat Monsoon: રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થયા છે. આ દરમિયાન સૌરાષ્ટ્રનો સૌથી મોટો પાલીતાણા શેત્રુંજી ડેમ છલક સપાટી પર પહોંચ્યો છે. શેત્રુંજી ડેમની સપાટી હાલ 33 ફૂટે પહોંચી છે હાલ ડેમમાં 29 હજાર ક્યુસેક પાણીની આવક શરૂ છે. શેત્રુંજી ડેમ 90% થી વધુ ભરાઈ જતા 17 જેટલા ગામો માટે હાઈએલર્ટ આપવામાં આવ્યું છે. પાલીતાણાના નાની રાજસ્થળી, લાપાળીયા, માયધાર અને મેઢા ગામને જાણ કરવામાં આવી છે. જ્યારે તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પીંગળી, ટીમાણા, સેવાળીયા, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપર ગામોને નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવર-જવર ન કરવાની કડક સુચના આપવામાં આવી છે. શેત્રુંજી ડેમ 34 ફૂટની સપાટીએ ઓવરફ્લો થાય છે.


આગામી 3 કલાકમાં ક્યાં પડશે વરસાદ


આગામી 3 કલાક દરમિયાન ગુજરાતમાં જામનગર, પોરબંદર અને દ્વારકાના જિલ્લાઓમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. આગામી 3 કલાક દરમિયાન રાજ્યના અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબીનગર, અને ભાવનગરમાં હળવાથી મધ્યમ ગર્જના સાથે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, દીવ અને કચ્છમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.




હજુ ચાર દિવસ ભારે વરસાદની આગાહી


રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડમાં વરસાદે સટાસટી બોલાવી છે ત્યારે હવામાન વિભાગે હજુ આગામી ચાર દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે જેમા આજે દક્ષિણ ગુજરાતમાં અતિભારે તેમજ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, આ સિવાય 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આવતીકાલે અરવલ્લી, સાબરકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે તેમજ 23મી જુલાઈ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.   




રાજ્યમાં સિઝનનો કુલ કેટલા ટકા થયો વરસાદ


રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ 24 કલાક દરમિયાન કચ્છ ઝોનમાં સૌથી વધુ 112.42 ટકા, સૌરાષ્ટ્રમાં 83.30 ટકા, ઉત્તર ગુજરાતમાં 53.77 ટકા, દક્ષિણ ગુજરાતમાં 47.12 ટકા, પૂર્વ ગુજરાતમાં 47.12 ટકા વરસાદ વરસ્યો છે જ્યારે રાજ્યમાં સિઝનનો કુલ 59.11 ટકા વરસાદ વરસ્યો છે.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial