Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર અઠવાડિયાથી વરસાદે કહેર વર્તાવ્યો છે. રાજ્યમાં સૌરાષ્ટ્રથી લઇને દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અષાઢ મહિનાની શરૂઆત થતાં જ ચોમાસાની વિધિવત શરૂઆત પણ થઇ ચૂકી છે, હવે નૈઋત્યના ચોમાસાને લઇને રાજ્યમાં એલર્ટ મૉડ આપવામા આવ્યુ છે. હાલમાં તાજા અપડેટ પ્રમાણે, આજે ગુજરાતમાં 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે, તો વળી, 12 જિલ્લાને યલો એલર્ટમાં રાખવામાં આવ્યા છે. જાણો હવામાનની લેટેસ્ટ આગાહી વિશે...

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદ વરસી રહ્યો છે. ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઇ ચૂકી છે, અને આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાનું પણ અનુમાન છે, હાલમાં ગુજરાત પર વરસાદની બે સિસ્ટમ સક્રિય થઇ છે જેના કારણે આગામી દિવસોમાં બીજો રાઉન્ડ વધુ તબાહી લાવી શકે છે. હવામાન વિભાગની આજના તાજા અપડેટ પ્રમાણે, આજે ગુજરાતમાં 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે, તો વળી 12 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગામી 7 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, અને દાહોદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ અને મહેસાણામાં વરસાદનું યલો એલર્ટ છે. ખાસ વાત છે કે, રાજ્યમાં વરસાદી કહેરના અનુમાનને લઇને NDRF-SDRFની 32 ટીમોને પહેલાથી જ તૈનાત કરાઇ છે. 

ગુજરાતમાં છેલ્લા 2 કલાકમાં રાજ્યમાં 31 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તાપીના ડોલવણમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે. તાપીના વાલોડમાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ચાર તાલુકામાં એકથી અઢી ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. 

આગામી સાત દિવસ વરસાદની આગાહી

ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી સાત દિવસ સારો વરસાદ પડવાની આગાહી છે. સાત દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે. હવામાન વિભાગે જુલાઈ મહિનામાં સામાન્ય કરતા વધુ વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરી છે. આજે રાજ્યના 45 તાલુકામાં વરસાદ નોંધાયો. જેમાંથી વલસાડના કપરાડામાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ, ડાંગના સુબિરમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો. અન્ય તાલુકામાં પણ મેઘરાજા મહેરબાન થયા હતા.