રાજકોટઃ રાજ્યમાં સતત ત્રીજા દિવસે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘમહેર થઈ છે. જેના કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે અને જગતનો તાત ખુશ થઈ ગયો છે. ઘણા વિસ્તારોમાં ધીમે ધારે વરસતો વરસાદ મોલાત માટે કાચું સોનું સમાન સાબિત થઈ રહ્યો છે, જ્યારે અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.



પોરબંદર શહેરમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. જ્યારે ભેટકડી ગામમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ પડતાં વાડી-ખેતરો અને વોકળા પાણીથી છલી ઉઠ્યા હતા. બરડા પંથકમાં બપોરના સમયે મેઘરાજાનું આગમન થયું હતું. બગવદર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. નાગકામાં 3 ઈંચ વરસાદ પડ્યો હતો. ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.



જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા હતા. શહેરની બજારોમાંથી પાણી વહેતા થયા હતા. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. તાલાલામાં વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. વિસાવદર જિલ્લામાં ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ગીર ગઢડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે કોડીનાર અને વેરાવળમાં ઝરમર વરસાદ વરસ્યો હતો.



અમરેલી પંથકમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર થઈ હતી. સાવરકુંડલાના ગાધકડામાં ધીમી ધારે વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી હતી. રાજકોટમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ હતી.

ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ કેટલી વખત ખોટું બોલ્યા ? આંકડો જાણીને લાગી જશે આંચકો