ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી: રાત્રે 10 તાલુકામાં ધોધમાર વરસાદ, જાણો ક્યાં પડ્યો સૌથી વધુ?
gujarat rain update today: રાજ્યમાં લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે મેઘમહેર શરૂ. અરવલ્લીના ભિલોડામાં સૌથી વધુ સવા ઈંચ વરસાદ, અમદાવાદ, વડોદરા અને ઉત્તર ગુજરાતમાં ઝાપટાં પડતા ગરમીથી રાહત.

- ગુજરાતમાં કાળઝાળ ગરમી બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ.
- અરવલ્લીના ભિલોડામાં સૌથી વધુ સવા ઈંચ વરસાદ નોંધાયો.
- ઉત્તર-મધ્ય ગુજરાત સહિત મોટા શહેરોમાં પણ વરસાદથી રાહત મળી.
- ગોધરામાં ભારે પવન સાથે વરસાદથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો.
gujarat rain update today: ગુજરાતમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ સહન કર્યા બાદ આખરે લોકોને મોટી રાહત મળી છે. રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવતા મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. રાત્રીના 8 થી 10 વાગ્યાના માત્ર 2 કલાકના ગાળામાં જ રાજ્યના 10 જેટલા તાલુકાઓમાં વરસાદી ઝાપટાં અને છાંટા પડ્યા હોવાના અહેવાલ છે. ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે, જેમાં અરવલ્લીના ભિલોડામાં સૌથી વધુ સવા ઈંચ (1.25 ઈંચ) વરસાદ ખાબક્યો છે. વરસાદના આગમનથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને વાવણીની રાહ જોતા ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે.
સૌથી વધુ મેઘમહેર અરવલ્લી જિલ્લામાં જોવા મળી છે. યાત્રાધામ શામળાજી સહિત ભિલોડા અને મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ખેરોજકંપા, ખલવાડ, જીવનપુર અને ટીંટોઈમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભલે વરસાદ મોડો આવ્યો, પણ આ વરસાદ ખેડૂતો માટે કાચા સોના સમાન સાબિત થયો છે. પાડોશી જિલ્લા સાબરકાંઠાના હિંમતનગર, વડાલી અને ઈડર પંથકમાં પણ મોડી રાત્રે વરસાદી ઝાપટાં પડ્યા છે. ગઢોડા, હડિયોલ, આકોદ્રા, વડગામડા અને થુરાવાસ સહિતના ગામોમાં જે ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે અને જેમની પાસે સિંચાઈની કોઈ ખાસ વ્યવસ્થા નથી, તેમના માટે આ વરસાદ આશીર્વાદરૂપ બનીને આવ્યો છે.
ઉત્તર ગુજરાતના અન્ય વિસ્તારોની વાત કરીએ તો, બનાસકાંઠા જિલ્લામાં પણ વાતાવરણ પલટાયું છે. પાલનપુર શહેર ઉપરાંત વડગામ અને અમીરગઢમાં ધીમીધારે ઝરમર વરસાદ પડતાં વાતાવરણમાં સારી એવી ઠંડક પ્રસરી ગઈ હતી. બીજી તરફ, મધ્ય ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરામાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જોકે, પવન એટલો તેજ હતો કે તેના કારણે થોડા સમય માટે શહેરનો વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. આ સાથે મહિસાગર અને આણંદ જિલ્લામાં પણ સામાન્ય વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
આ પણ વાંચોઃ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! અમદાવાદ, જૂનાગઢ અને કચ્છ સહિત આ વિસ્તારોમાં વરસાદ
ગ્રામ્ય વિસ્તારોની સાથે સાથે મોટા શહેરોમાં પણ વરસાદે લોકોને અસહ્ય બફારામાંથી છુટકારો અપાવ્યો છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારો જેવા કે બોપલ, શેલા અને શીલજમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. જ્યારે પ્રહલાદનગર, એસ.પી. રિંગ રોડ, સેટેલાઈટ, જોધપુર, શિવરંજની અને સાયન્સ સિટી આસપાસ હળવા વરસાદી છાંટા પડ્યા હતા. અમદાવાદ બાદ પાટનગર ગાંધીનગરના પણ કેટલાક વિસ્તારોમાં સામાન્ય ઝાપટાં પડ્યા હતા. તો વડોદરા શહેરમાં છાણી, સમા, ગોરવા, સયાજીગંજ, નિઝામપુરા અને આજવા રોડ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે અને ક્યાંક તેજ પવન સાથે વરસાદ વરસ્યો હતો. સળંગ ગરમી બાદ આ ઝાપટાં પડતાં શહેરીજનોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાનઃ 18 જૂને 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ






















