રાજ્યમાં 76 ડેમ નવા નીરથી છલકાઈ ચૂક્યા છે તો 120 ડેમ હાઈએલર્ટ પર છે જ્યારે 14 ડેમ એલર્ટ પર છે અને 17 જળાશયોને વોર્નિંગ આપવામાં આવી છે. 100 ટકાથી વધુ ભરાયેલા ડેમ 68 છે. રાજ્યમાં કુલ 44 નદીઓ અને 41 મોટા તળાવ ઓવરફલો થયા છે.
નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી પાણીની આવક થઈ રહી છે. ડેમમાં બે લાખ ક્યુકેસ પાણીની આવક થઈ રહી છે. હાલ નર્મદા ડેમ 65.63 ટકા ભરાયો છે. હાલ નર્મદાની સપાટી 126.89 મીટરે પહોંચી છે. દર કલાકે જળ સપાટી 10 સેન્ટિમીટરનો વધારો થઈ રહ્યો છે.
રાજ્યમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આજે બનાસકાંઠા, પાટણ, મોરબી અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તો સાબરકાંઠા, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે આવતીકાલે મોરબી અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગના મતે 26 તારીખથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 94.57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સારા ચોમાસાના પગલે રાજ્યના 95 ટકા વિસ્તારમાં વાવેતર પણ પૂર્ણ થઈ ચૂક્યું છે.