ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે પ્રસિધ્ધ કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે ૨૦ હજાર લિટરની ક્ષમતાની ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્કનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અવસરે જણાવ્યું હતુ કે કોરોનાની આ વિશ્વ વ્યાપી મહામારીએ આપણને સૌને પ્રાણવાયુ ઓક્સિજનનુ મહત્વ અને જરૂરીયાત સમજાવી દીધા છે. ગુજરાતે કોરોના સામે લડત આપી બીજી વેવ કાબુમાં લેવામાં સફળતા મેળવી છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર અને સેવા સંસ્થાઓના સહયોગથી આપણે સંભવિત કોરોનાની ત્રીજી લહેર સામે યુધ્ધના ધોરણે સાવચેતીના પગલા રૂપે ઓક્સિજનની સંભવિત જરૂરીયાતને પહોંચી વળવા આયોજન કરી રહ્યા છીએ.
તેમણે એમ પણ કહ્યું કે, ધાર્મિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓના સહયોગ તેમજ સરકારના આગોતરા આયોજન અને લોકોની જાગૃતિ સાથે ગુજરાત ત્રીજી લહેર ના મુકાબલા માટે સજ્જ છે. કોરોના હજી ગયો નથી. આપણ સૌએ કોરોના પ્રોટોકોલ તેમજ માસ્ક સોશિયલ ડિસ્ટન્સ,રસીકરણ વગેરે નું પાલન કરીને કોરીનાને હરાવવાનો છે.
કથાકાર શ્રી રમેશભાઇ ઓઝાએ જણાવ્યુ હતુ કે કોરોનાની મહામારી સામે લોકોની સારવાર માટે સરકાર દ્રારા ઝડપી કાર્યવાહી અને વ્યવસ્થાઓ કરવામા આવી છે. બીજી લહેર દરમિયાન આપણને ઓક્સિજનની જરૂરીયાત અનુભવાઇ. સંભવિત ત્રીજી લહેર દરમિયાન ઓક્સિજનની મુશકેલી ન પડે તે માટે આપણે સૌ આયોજન કરીને આગળ વધી રહ્યા છીએ.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 30 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 42 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.74 ટકા થયો છે.
દાહોદમાં 6, અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરતમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, વડોદરામાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, અમરેલીમાં 1, આણંદમાં 1, ભરૂચમાં 1, ડાંગમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, જુનાગઢમાં 1, મહેસાણામાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયો હતો.
અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહિસાગર, મોરબી, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10 હજાર 76 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 14 હજાર 307 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 330 એક્ટિવ કેસ છે, જેમાંથી 5 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 325 દર્દીની હાલત સ્થિર છે.