Weather Update: હવામાન વિભાગે ભરઉનાળે માવઠાના સંકેત આપ્યાં છે. રાજ્યમાં વાતાવરણમાં પલટો આવતા રાજ્યના અનેક જિલ્લામાં છૂટછવાયો વરસાદ  નોંધાયો છે. આગામી સાત દિવસ રાજ્યમાં ગરમીનો પારો નીચે જતાં લોકોને રાહત મળશે અને 7 દિવસ રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની ચેતવણી અપાઇ છે.

Continues below advertisement

આજે અનેક જિલ્લામાં સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો. આજે સવારથી જ અમદાવાદ, પાલનપુરની આસાપસના વિસ્તારમાં છૂટછવાયો વરસાદ નોંધાયો છે. અંબાજીમાં પણ કમોસમી વરસાદે દસ્તક દીધી છે.  અંબાજીમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો. અંબાજી અને દાંતામાં વરસાદને કારણે મકાઈના પાકને નુકસાનની શક્યતા સેવાઇ રહી છે.

પાલનપુર અને વડગામ વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે. અહી ભારે  પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે.  દિવસભરના ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોએ ગરમીથી રાહત મેળવી છે.  બનાસકાંઠાના ધાનેરાના સહિત અલગ-અલગ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે.  બાપલા, વાછોલ અને કુંડી સહિતના ગામમાં કમોસમી વરસાદે ખેડૂતની ચિંતા વધારી છે. દાંતીવાડામાં ગરમી અને બફારા બાદ વરસાદ વરસ્યો હતો.  બનાસકાંઠાના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો. ડીસા, અમીરગઢમાં ભારે પવન સાથે વરસાદથી વીજળી ગૂલ થતા જનજીવન પ્રભાવિત થયુ છે.

Continues below advertisement

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં એક કલાક વરસાદમાં અનેક વિસ્તારમાં પાણી ભરાઇ જતાં વાહન ચાલકો પણ પ્રભાવિત થયા હતા. પાંથાવાડા અને આસપાસના વિસ્તારમાં  1 કલાક ચોમાસા જેવો ભારે પવન સાથે ધોધમાર વરસાદ  વરસ્યો હતો.

કમોસમી વરસાદના કારણે ઉનાળું પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.  બાજરી, જુવાર, મગફળીના પાકને નુકસાનની શક્યતા સેવાઇ રહી છે. ખાસ  કરીને કેસરી કેરીના પાક હાલ તૈયાર થઇ ચૂક્યો છે.  આ સમયે જ કમોસમી વરસાદની આગાહીએ કેરી પકવતા ખેડૂતોની ચિંતા પણ વધારે છે.

5 અને 6 મેએ ક્યાં થશે માવઠું

સોમ અને અને મંગળવારે રાજ્યના કેટલાક વિસ્તારમાં કરા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. પ્રતિ કલાક 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. પાટણ, મહેસાણા, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી સહિતના વિસ્તારમાં માવઠાની સંભાવના છે.

7 અને 8 મેએ  અહીં વરસશે વરસાદ

આગામી બુધવાર અને ગુરૂવારે એટલે કે 7 અને 8 મેના રોજ  સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  બુધવારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, સુરતમાં કમોસમી વરસાદની શક્યતા છે. . તો સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં પણ માવઠાનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.