Zupadpatti Vidyutikaran Yojana: ગુજરાત સરકારની 'ઝૂંપડા વીજળીકરણ યોજના' રાજ્યના છેવાડાના માનવી અને ગરીબ શ્રમિક વર્ગ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 10 લાખથી વધુ ઝૂંપડાઓને વીજળીથી રોશન કર્યા છે. ખાસ કરીને છેલ્લા 5 વર્ષમાં 1.52 લાખથી વધુ પરિવારોને આ યોજનાનો લાભ મળ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગરીબો પ્રત્યે સંવેદનશીલતા દાખવીને લાભાર્થીઓની આવક મર્યાદા વધારીને 1.50 લાખ રૂપિયા કરી છે, જેથી કોઈ પણ ગરીબ પરિવાર અંધારામાં રહેવા મજબૂર ન બને. વર્ષ 2025 26 માટે પણ સરકારે આ યોજના માટે ખાસ બજેટ ફાળવ્યું છે.

Continues below advertisement

5 વર્ષમાં દોઢ લાખ ઝૂંપડા રોશન: સરકારની મોટી સિદ્ધિ

રાજ્યના ગરીબ નાગરિકોના જીવનસ્તરમાં સુધારો લાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આંકડાકીય વિગતો જોઈએ તો, છેલ્લા 5 વર્ષમાં સરકારે 8,499 લાખ રૂપિયાના જંગી ખર્ચે કુલ 1,52,466 ઝૂંપડાઓમાં મફત વીજળીકરણ પૂરું પાડ્યું છે. રાજ્યમાં આ યોજના શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં (નવેમ્બર 2025 સુધી) કુલ 10,09,736 પરિવારોને અંધકારમાંથી મુક્તિ મળી છે. વર્ષ 2024 25 માં પણ 1,617.03 લાખ રૂપિયાના ખર્ચે 25,939 ઝૂંપડાઓને વીજળીના કનેક્શન આપવામાં આવ્યા છે. આગામી વર્ષ 2025 26 માટે પણ સરકારે 1,617 લાખ રૂપિયાની જોગવાઈ કરી છે.

Continues below advertisement

આવક મર્યાદામાં કરાયો ઐતિહાસિક વધારો

વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકો આ યોજનાનો લાભ લઈ શકે તે હેતુથી સરકારે પાત્રતાના માપદંડમાં મોટા ફેરફારો કર્યા છે. અગાઉ આ યોજનાનો લાભ લેવા માટે ગ્રામ્ય વિસ્તારમાં 27,000 રૂપિયા અને શહેરી વિસ્તારમાં 35,000 થી 47,000 રૂપિયાની આવક મર્યાદા હતી. પરંતુ હવે સરકારે આ મર્યાદામાં મોટો વધારો કર્યો છે. વર્ષ 2018 માં કરાયેલા સુધારા મુજબ, હવે ગ્રામ્ય વિસ્તારના ઝૂંપડાવાસીઓ માટે 1.20 લાખ રૂપિયા અને શહેરી વિસ્તારના લોકો માટે 1.50 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ નિર્ણયને કારણે લાભાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

યોજનાનો ઉદ્દેશ્ય અને સુધારાની સફર

રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા વર્ષ 1996 97 થી આ યોજના અમલમાં છે. શરૂઆતમાં ગુજરાત વિદ્યુત બોર્ડ (GEB) દ્વારા તેનું સંચાલન થતું હતું. વર્ષ 2003 માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીજ ક્ષેત્રમાં સુધારાઓ કરીને 4 અલગ અલગ વીજ વિતરણ કંપનીઓ (DGVCL, MGVCL, PGVCL, UGVCL) ની રચના કરી હતી. ત્યારથી આ ચારેય કંપનીઓ દ્વારા પોતપોતાના વિસ્તારમાં આ યોજનાનું અસરકારક અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. આ યોજના હેઠળ BPL કાર્ડધારકો ઉપરાંત અન્ય ગરીબ પરિવારોને પણ કોઈ પણ જાતિગત ભેદભાવ વિના લાભ આપવામાં આવે છે.

કેવી રીતે કરશો અરજી? જાણો પ્રક્રિયા

જો તમે અથવા તમારી આસપાસ કોઈ આ યોજના માટે પાત્રતા ધરાવતું હોય, તો અરજી પ્રક્રિયા ખૂબ જ સરળ છે.

કોણ અરજી કરી શકે?: નિયત આવક મર્યાદા ધરાવતા BPL અથવા ગરીબ પરિવારો.

ક્યાં અરજી કરવી?: ગ્રામ્ય વિસ્તારના લોકોએ તાલુકા વિકાસ અધિકારી (TDO) અથવા તાલુકા પંચાયત કચેરીનો સંપર્ક કરવો. જ્યારે શહેરી વિસ્તારના લોકોએ નગરપાલિકા કે મ્યુનિસિપાલિટી કચેરીમાં અરજી કરવાની રહેશે.

પ્રક્રિયા: અરજી કર્યા બાદ, તેની ચકાસણી કરીને યાદી સંબંધિત વીજ કંપનીની કચેરીને મોકલવામાં આવે છે. માપદંડો પૂર્ણ થતા હોય તેવા અરજદારોને મફત વીજ કનેક્શન આપવામાં આવે છે.