ગુજરાતમાં મતદાર યાદીની 'ખાસ સઘન સુધારણા ઝુંબેશ' (SIR) ની જાહેરાત, આ તારીખે ફાઈનલ મતદાર યાદી થશે પ્રસિદ્ધ
આ ઝુંબેશ અંતર્ગત મતદારોની લાયકાત માટેની તારીખ 01 જાન્યુ. 2002 નક્કી કરવામાં આવી છે. નાગરિકોને તેમની વિગતો ચકાસવા માટે 2002-2004 માં યોજાયેલી અગાઉની SIR ની મતદાર યાદીઓનો ઉપયોગ કરવાની પણ છૂટ આપી છે.

Gujarat SIR campaign: ભારતના ચૂંટણી પંચ (Election Commission of India) દ્વારા ગુજરાત સહિત કુલ 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) નું વિગતવાર સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમારે આ ઝુંબેશની જાહેરાત કરી હતી. SIR ના વિવિધ તબક્કાઓ અનુસાર, 04 નવેમ્બર, 2025 થી 04 ડિસેમ્બર, 2025 દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ઘરે-ઘરે ફરીને મતદારોના ફોર્મ ભરશે. આ પ્રક્રિયાના અંતે 07 ફેબ્રુઆરી, 2026 ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. આ ઝુંબેશમાં પ્રતિ બૂથ 1,200 મતદારોની મર્યાદા જાળવવામાં આવશે અને એક જ પરિવારના સભ્યો એક જ બૂથ પર મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
ચૂંટણી પંચે SIR 2.0 નું વિગતવાર સમયપત્રક જાહેર કર્યું
ભારતના ચૂંટણી પંચે મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમાર, ચૂંટણી કમિશનર ડૉ. સુખબિર સિંહ સંધુ અને શ્રી વિવેક જોશી ની ઉપસ્થિતિમાં ગુજરાત સહિત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ખાસ સઘન સુધારણા (SIR) ઝુંબેશનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદીને સંપૂર્ણપણે અપડેટ કરીને 'ઝીરો અપીલ' ના ધ્યેય સાથે પારદર્શક અને સચોટ યાદી તૈયાર કરવાનો છે.
BLO દ્વારા ઘરે-ઘરે જઈને મતદારોનું ગણતરી ફોર્મ ભરાવાશે
SIR ઝુંબેશ હેઠળ મતદાર યાદી સુધારણાનું કાર્ય નીચેના સમયપત્રક મુજબ કરવામાં આવશે:
- ગૃહ મુલાકાત અને ફોર્મ ભરવા: 04 નવેમ્બર, 2025 થી 04 ડિસેમ્બર, 2025 દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLO) દ્વારા ઘરે-ઘરે જઈને મતદારો પાસેથી એન્યુમરેશન ફોર્મ ભરાવવામાં આવશે.
- હંગામી યાદી પ્રકાશન: આ ગણતરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 09 ડિસેમ્બર, 2025 ના રોજ હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
- દાવા અને વાંધા: નાગરિકો 09 ડિસેમ્બર, 2025 થી 08 જાન્યુઆરી, 2026 સુધી આ યાદીમાં સુધારા માટેના દાવા કે વાંધા રજૂ કરી શકશે.
- સુનાવણી અને પ્રમાણિકરણ: જિલ્લા ચૂંટણી અધિકારી અને મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા 31 જાન્યુઆરી, 2026 સુધીમાં દાવાઓની સુનાવણી અને પ્રમાણિકરણની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
આખરી મતદાર યાદી અને નવા નિયમો
સમગ્ર પ્રક્રિયાના અંતે, 07 ફેબ્રુઆરી, 2026 ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. આ ઝુંબેશ અંતર્ગત મતદારોની લાયકાત માટેની તારીખ 01 જાન્યુઆરી, 2002 નક્કી કરવામાં આવી છે. નાગરિકોને તેમની વિગતો ચકાસવા માટે 2002-2004 માં યોજાયેલી અગાઉની SIR ની મતદાર યાદીઓનો ઉપયોગ કરવાની પણ છૂટ આપવામાં આવી છે.
નાગરિકતાના પુરાવા તરીકે ભારતીય પાસપોર્ટ અને જન્મના પ્રમાણપત્ર સહિત કુલ 12 વિવિધ દસ્તાવેજો માન્ય ગણવામાં આવશે.
મતદારો માટે સુવિધા અને 'એક બૂથ, એક પરિવાર' પહેલ
ચૂંટણી પંચે આ સુધારણા પ્રક્રિયામાં મહિલાઓ, અશક્ત નાગરિકો, દિવ્યાંગો અને વડીલોને સુવિધા મળી રહે તે હેતુથી NCC જેવા સ્વયંસેવક જૂથો ની મદદ લેવાનો પણ નિર્ણય કર્યો છે. સાથે જ, પ્રતિ બૂથ 1,200 મતદારોની મર્યાદા જાળવવામાં આવશે. આ મર્યાદાના ભાગરૂપે બૂથ રેશનલાઇઝિંગ કરવામાં આવશે, જેથી એક પરિવારના તમામ સભ્યો એક જ બૂથ પર મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનરે આ સુચારુ આયોજન દ્વારા 'ઝીરો અપીલ' ના લક્ષ્યને સિદ્ધ કરવા પર ભાર મૂક્યો છે.





















