Private bus fare increase news: ગુજરાતમાં સરકારી એસટી બસોના ભાડામાં તાજેતરમાં થયેલા વધારા બાદ હવે ખાનગી બસ સંચાલકો પણ ભાડા વધારવાની તૈયારીમાં છે. ખાનગી બસ એસોસિએશને ભાડામાં ૧૫ ટકાનો વધારો કરવાની માંગણી કરી છે. એસોસિએશનનું કહેવું છે કે છેલ્લા ચાર વર્ષથી ખાનગી બસોના ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, જ્યારે ટોલટેક્સ અને સરકારી ટેક્સનું ભારણ સતત વધી રહ્યું છે.

અમદાવાદ શહેર ટ્રાવેલ્સ એસોસિએશનના પ્રમુખ મોહન રબારીએ જણાવ્યું હતું કે સરકારે વર્ષ ૨૦૨૩માં એસટી બસોના ભાડામાં ૨૫ ટકા અને હવે ફરીથી ૧૦ ટકાનો વધારો કર્યો છે. તેમની માંગણી છે કે ખાનગી ટ્રાવેલ્સને પણ આર્થિક રીતે ટકી રહેવા માટે ભાડામાં વધારો કરવાની મંજૂરી મળવી જોઈએ. તેમણે દાવો કર્યો હતો કે એક ખાનગી લક્ઝરી બસ પર વાર્ષિક રૂ. ૩૯,૬૦૦ જેટલો રોડ ટેક્સ લાગે છે, જે તેમના માટે મોટું આર્થિક ભારણ છે.

એસોસિએશનના જણાવ્યા અનુસાર, ખાનગી બસોના ભાડામાં છેલ્લા ચાર વર્ષથી કોઈ ભાવ વધારો થયો નથી. આ દરમિયાન ડીઝલના ભાવ અને અન્ય ખર્ચાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ટોલટેક્સ અને સરકારી ટેક્સનું વધતું જતું ભારણ ખાનગી બસ સંચાલકો માટે મુશ્કેલી ઊભી કરી રહ્યું છે. આ તમામ કારણોસર એસોસિએશને ભાડામાં ૧૫ ટકાનો વધારો આપવાની માંગણી કરી છે.

મોહન રબારીએ વધુમાં જણાવ્યું હતું કે આ અંગે આગામી ૭ એપ્રિલના રોજ સરકાર સાથે બેઠક યોજાશે. આ બેઠકમાં ખાનગી બસ સંચાલકો તેમની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરશે. એસોસિએશનનું સ્પષ્ટ કહેવું છે કે જો સરકાર તેમને ટેક્સમાં રાહત આપે તો તેઓ ભાડામાં વધારો કરવા માંગતા નથી. જો સરકાર ટેક્સમાં રાહત આપે તો મુસાફરો પર ભાડા વધારાનો બોજો નહીં પડે.

નોંધનીય છે કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોના ભાડામાં ૧૦ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારો તારીખ ૨૯ માર્ચ ૨૦૨૫ની મધ્યરાત્રીથી અમલમાં આવ્યો હતો. નિગમ દ્વારા મુસાફરોને વધુ સારી અને સુવિધાજનક પરિવહન સેવાઓ પૂરી પાડવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગુજરાત એસટી નિગમે દૈનિક ૮૦૦૦થી વધુ બસો દ્વારા ૩૨ લાખથી વધુ કિલોમીટરનું અંતર કાપીને અંદાજે ૨૭ લાખ મુસાફરોને જાહેર પરિવહનની સુવિધા પૂરી પાડી હતી. નિગમ મુસાફરોની સગવડ માટે સતત પ્રયત્નશીલ હતું અને આર્થિક રીતે સ્વનિર્ભર બનવા માટે ચિંતિત હતું. આ સાથે જ નિગમે વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, પત્રકારો અને અન્ય પાત્રતા ધરાવતા લોકોને રાહત દરે અથવા વિના મૂલ્યે મુસાફરીની સુવિધા પણ આપી હતી.