હવામાન વિભાગે આજથી 3 દિવસ માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે. ખાસ કરીને અમરેલી, ભાવનગર, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરત અને ભરૂચ જેવા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદ ભુક્કા કાઢશે, ભર ઉનાળે આ વિસ્તારમાં માવઠાની આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન એમ બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં 21 એપ્રિલ સુધી કમોસમી વરસાદ પડશે. કાળઝાળ ગરમીથી બચવા લોકો ટ્રાફિક સિગ્નલ પર છાંયડો અને વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે.

- હવામાન વિભાગે ત્રણ દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે.
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં સર્ક્યુલેશનથી વરસાદની શક્યતા છે.
- રાજ્યના 7 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે.
- અમરેલી, ભાવનગર, સુરત, ભરૂચ, તાપી, ડાંગ વિસ્તારોમાં વરસાદની આગાહી.
Gujarat rain forecast April 2026: ગુજરાતમાં હાલમાં લોકો બેવડી ઋતુ અનુભવી રહ્યા છે. એક તરફ આકાશમાંથી સૂર્યનારાયણ અગનગોળા વરસાવી રહ્યા છે અને રાજ્યના 7 જેટલા શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, તો બીજી તરફ હવામાન વિભાગે આજથી 3 દિવસ માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં માવઠાની એટલે કે કમોસમી વરસાદની આગાહી કરી છે. કાળઝાળ ગરમી, બફારા અને તેમાં પણ કમોસમી વરસાદની આગાહીને પગલે લોકો અને ખાસ કરીને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
હવામાન વિભાગની માહિતી મુજબ (IMD Forecast), હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ બે સિસ્ટમ સક્રિય થવાને કારણે આજથી ત્રણ દિવસ અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. આજે રાજ્યના 8 જિલ્લાઓમાં (Gujarat Weather Update) વરસાદ પડી શકે છે. જેમાં અમરેલી, ભાવનગરની સાથે છોટા ઉદેપુર અને નર્મદામાં છૂટોછવાયો કમોસમી વરસાદ પડી શકે છે. આ ઉપરાંત તાપી, ડાંગ, નવસારી અને વલસાડની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે. 20 એપ્રિલની વાત કરીએ તો, સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર સહિત દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને સંઘ પ્રદેશોમાં માવઠું પડવાની શક્યતા છે. જ્યારે 21 એપ્રિલે અમરેલી અને ભાવનગરની સાથે સુરત અને ભરૂચમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે.
માવઠાની આ આગાહી વચ્ચે બીજી બાજુ ગરમીએ પણ માઝા મૂકી છે. આકરા તાપમાં શેકાતા લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. ગરમીથી બચવા માટે અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મોટા શહેરોમાં લોકો ટ્રાફિક સિગ્નલ પર છાંયડો ગોતતા જોવા મળી રહ્યા છે. તો શનિવાર રવિવારની રજાઓમાં ગરમીથી રાહત મેળવવા નાના બાળકોથી લઈને સિનિયર સિટિઝનો વોટર પાર્ક તરફ વળ્યા છે, જેને કારણે મોટાભાગના વોટર પાર્ક હાઉસફુલ જોવા મળી રહ્યા છે.
જો તાપમાનના આંકડા પર નજર કરીએ તો, રાજ્યના 7 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. જેમાં રાજકોટમાં સૌથી વધુ 41.9 ડિગ્રી આકરૂં તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 41.8 ડિગ્રી, અમરેલીમાં 41.7 ડિગ્રી, પાટનગર ગાંધીનગરમાં 41.2 ડિગ્રી અને વડોદરામાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સિવાય વલ્લભ વિદ્યાનગરમાં 40.6 ડિગ્રી અને ડીસામાં પણ 40.5 ડિગ્રીની કાળઝાળ ગરમી નોંધાઈ છે.
Frequently Asked Questions
ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી ક્યાં અને ક્યારે છે?
ગુજરાતમાં હાલમાં કેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે?
રાજ્યના 7 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. રાજકોટમાં સૌથી વધુ 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારબાદ અમદાવાદમાં 41.8 ડિગ્રી તાપમાન છે.
કમોસમી વરસાદ અને ગરમીને કારણે લોકોની શું પ્રતિક્રિયા છે?
કાળઝાળ ગરમી, બફારા અને તેમાં પણ માવઠાની આગાહીને પગલે લોકો અને ખાસ કરીને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગરમીથી બચવા લોકો વોટર પાર્ક તરફ વળી રહ્યા છે.





















