Gujarat Weather News: ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં જ વરસાદના નવા રાઉન્ડની શરૂઆતની આગાહી કરવામાં આવી છે. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે અને હવામાન વિભાગે ફરી એકવાર મેઘરાજા ગુજરાતને ઘમરોળશે તેવી ભયંકર આગાહી કરી છે. ચોમાસાની શરૂઆતમાં જ વરસાદે ગુજરાતને ચારેય બાજુથી ઘમરોળી નાંખ્યુ છે. અત્યાર સુધી જે વરસાદ વરસ્યો તેણે જળબંબાકારની સ્થિતિ સર્જી છે, ઠેર ઠેર નદી-નાળા છલકાયા અને ખેતરો બેટમાં ફેરવાયા છે. હવે ફરી એકવાર ઓગસ્ટ ધોધમાર થવાની સંભાવના છે.
આજથી ઓગસ્ટ મહિનાની શરૂઆત થઇ ચૂકી છે, અને ગુજરાતના માથે વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. શ્રીનગરથી બંગાળની ખાડી સુધીની મોન્સૂન ટ્રફ સક્રિય થતાં, આગામી 24 કલાકમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની શક્યતા છે. આ સિઝનમાં અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 27 ટકા વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેતરો, ગામો અને શહેરોમાં પાણીનો કહેર વર્તાયો હતો.
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 1 થી 3 ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદનો ખતરો છે. 6 થી 10 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા છે. પરંતુ ચોંકાવનારી આગાહી એ છે કે ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં વૈશ્વિક સ્તરની હવામાન સિસ્ટમ બનવાની શક્યતા છે. અંબાલાલ પટેલે ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં વૈશ્વિક લેવલની હવામાન સિસ્ટમ બનવાની આગાહી કરી છે. આના કારણે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પૂરની શક્યતા જોવાઈ રહી છે. આ વરસાદે રાજ્યમાં અનેક સ્થળોએ વિનાશ વેર્યો છે. ખેડૂતોના પાકને નુકસાન થયું છે, અને રસ્તાઓ પર પાણી ભરાતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટે તેવી આશા છે, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે.