Gujarat rain forecast 2026: ગુજરાતમાં વરસાદની કાગડોળે રાહ જોતા લોકો માટે સારા સમાચાર છે. હવામાન વિભાગની આગાહી મુજબ, હાલમાં રાજ્ય પરથી એક સિસ્ટમ (ટ્રફ) પસાર થઈ રહી હોવાથી આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ સારો એવો વરસાદ જોવા મળશે. આ ઉપરાંત, સાનુકૂળ સ્થિતિ વચ્ચે ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને આગામી 48 કલાકમાં તે મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પહોંચી જશે તેવી સંભાવના છે.

Continues below advertisement

દક્ષિણ ગુજરાતને ઘમરોળશે મેઘરાજા

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે ખાસ ચેતવણી આપી છે. અહીંના તમામ જિલ્લાઓમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વીજળીના કડાકા-ભડાકા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે. આ સાથે સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Continues below advertisement

સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં કેવું રહેશે વાતાવરણ?

આજે રાજ્યના કુલ 21 જિલ્લા અને 3 સંઘ પ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આવતીકાલની વાત કરીએ તો, સૌરાષ્ટ્ર પંથકના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની પૂરી શક્યતા છે. આ તરફ અમદાવાદ શહેરમાં પણ આજે અને કાલે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે, જેનાથી લોકોને બફારા અને ગરમીમાંથી થોડી રાહત મળશે.

આ પણ વાંચોઃ ગુજરાતના આ 5 જિલ્લાઓમાં વરસાદ તૂટી પડ્યો, અમરેલીમાં સતત 5માં દિવસે પૂર જેવી સ્થિતિ?

મધ્ય ગુજરાત અને ચોમાસાની ગતિવિધિ

આ સિવાય મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ છવાઈ શકે છે. ચોમાસાની ગતિની વાત કરીએ તો, તે સાનુકૂળ સ્થિતિ સાથે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને આગામી 48 કલાકમાં મહારાષ્ટ્રના વિસ્તારોને આવરી લેશે. જોકે, ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું ક્યારે બેસશે તેને લઈને હવામાન વિભાગે હજુ સુધી કોઈ ચોક્કસ તારીખ આપી નથી. પરંતુ, ત્યાં સુધી રાજ્યમાં વરસાદી એક્ટિવિટીના ભાગરૂપે સારો એવો વરસાદ જરૂર જોવા મળશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 6 કલાકમાં 29 તાલુકા ભીંજાયા, 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર