Weather Forecast: ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, અત્યારે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવાઇ રહી છે. ક્યાંક હીટવેવ છે તો ક્યાંક ઠંડા પવનો ફૂંકાઇ સાથે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર, અચાનક પલટાયેલા વાતાવરણથી રાજ્યના 17 જિલ્લામાં કમોસમી વરસાદ ખાબકશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં આજે માવઠુ થશે. તો વળી, બીજીબાજુ પહેલી એપ્રિલ સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે તેવું અનુમાન પણ છે.

ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. સવારે ઠંડી તો બપોર બાદ ભીષણ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આજથી ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાનું સંકેટ તોળાઇ રહ્યું છે. આગાહી પ્રમાણે, રાજ્યમાં ત્રણ દિવસ 17 જિલ્લામાં કમોસમી વરસાદની વરસવાની પુરેપુરી સંભાવના છે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં માવઠું થશે, આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આજે ગીર સોમનાથ, અમરેલીમાં વરસાદની આગાહી છે, આ ઉપરાંત ભાવનગર, ભરૂચ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. 

રાજ્યમાં હવામાનમાં જોરદાર પલટો આવ્યો છે, જેના કારણે આજે અને આવતીકાલ ઉપરાંત બુધવારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠુ થવાની પુરેપુરી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે, સાથે જ આ સમયે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવનો પણ ફૂંકાશે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, રવિવારે સૌથી વધુ તાપમાન મહુવામાં 41.6 ડિગ્રી નોંધાયું હતું. આ સાથે રાજકોટ, સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 40 ડિગ્રી ઉપર પહોંચ્યો હતો. પોરબંદર અને વડોદરામાં 39 ડિગ્રીની ઉપર તાપમાન નોંધાયું હતું. આ સાથે અમદાવાદ, ગાંધીનગર, સુરત, ભાવનગરમાં તાપમાન 38 ડિગ્રીની ઉપર નોંધાયું હતું. તો બીજી બાજુ રવિવારે સૌથી નીચું લઘુત્તમ તાપમાન નલિયામાં 13.6 ડિગ્રી નોંધાયું હતું.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે માર્ચ મહિનાના છેલ્લા દિવસે પોરબંદર જિલ્લામાં હીટવેવની સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે. આ ઉપરાંત, આજે સોમવારે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને લઘુતમ તાપમાન 20 ડિગ્રી રહેવાની શક્યતા છે. માવઠાની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી અને ડાંગ જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે વીજળી અને પવન સાથે હળવા વાવાઝોડા સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે.

હવામાન વિભાગે એપ્રિલ મહિનાની પહેલી તારીખે વાવાઝોડાની ચેતવણી આપી છે. મંગળવારે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં તથા દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલી જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે વીજળી અને પવન સાથે હળવા વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

બીજી તારીખને બુધવારે પણ વાવાઝોડાની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવ તથા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલી તથા વડોદરા, છોટા ઉદેપુર, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે અહીં વીજળી અને 30થી 40 કિમી પ્રતિ કલાકના પવન સાથે હળવા વાવાઝોડા સાથે હળવા વરસાદની શક્યતા છે.