18 થી 20 માર્ચ દરમિયાન ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, સુરત, તાપી, નર્મદા, વડોદરા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જેવા જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદની આગાહી છે.
ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! 18 થી 20 માર્ચ વચ્ચે માવઠાની આગાહીથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી ગરમીમાંથી તો રાહત મળશે અને તાપમાન 5 ડિગ્રી સુધી ઘટશે, પરંતુ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પડનારો કમોસમી વરસાદ ખેડૂતો માટે મુસીબત બની શકે છે.

- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ૧૮-૨૦ માર્ચમાં કમોસમી વરસાદની આગાહી.
- ૧૮ માર્ચે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ.
- ૧૯ માર્ચે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી.
- તાપમાન ઘટશે, પરંતુ ખેડૂતોના શિયાળુ પાકને નુકસાનની ચિંતા.
ગુજરાતમાં અત્યારથી જ ઉનાળાની આકરી ગરમી શરૂ થઈ ગઈ છે અને લોકો શેકાઈ રહ્યા છે, ત્યારે હવામાન વિભાગે એક મોટા સમાચાર આપ્યા છે. આ સમાચાર સામાન્ય નાગરિકો માટે રાહતના છે, પરંતુ ખેડૂતો માટે ભારે ચિંતા વધારનારા છે. કાળઝાળ ગરમી વચ્ચે હવે મેઘરાજા બેટિંગ કરવાના મૂડમાં છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે આગામી 18 થી 20 માર્ચ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ (માવઠું) પડવાની આગાહી કરવામાં આવી છે. આનાથી ગરમીનો પારો તો નીચે જશે, પણ ખેતરમાં ઉભેલો શિયાળુ પાક બગડવાની પૂરી શક્યતા હોવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
કયા દિવસે, કયા જિલ્લામાં પડશે વરસાદ?
હવામાન વિભાગની આગાહી મુજબ, આવનારા દિવસોમાં રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે:
18 માર્ચ: કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, જામનગર અને દ્વારકામાં 30 થી 40 કિમીની ઝડપે ભારે પવન ફૂંકાશે. આ સાથે જ ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની પણ શક્યતા છે.
19 માર્ચ: આ દિવસે વરસાદનો વ્યાપ થોડો વધશે. સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, દક્ષિણ અને મધ્ય ગુજરાતના સુરત, તાપી, નર્મદા અને વડોદરા જેવા જિલ્લાઓમાં પણ મેઘગર્જના સાથે માવઠાની આગાહી છે.
20 માર્ચ: ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં પવન સાથે હળવા ઝાપટાં પડી શકે છે.
ગરમીથી છુટકારો, પણ ખેડૂતોની ઊંઘ હરામ
હવામાનમાં આવતા આ અચાનક પલટાને કારણે આવતા 5 દિવસમાં તાપમાન 2 થી 5 ડિગ્રી જેટલું ઘટી જશે. એટલે કે લોકોને ગરમી બફારાથી થોડા દિવસ પૂરતી સારી એવી રાહત મળશે.
પરંતુ બીજી બાજુ, આ માવઠું ખેડૂતો માટે એક મોટી 'આફત' બનીને આવી રહ્યું છે. ખેતરમાં તૈયાર થયેલા રવિ પાક (શિયાળુ પાક) ને ભારે નુકસાન થવાની બીકથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને જોતા તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. તમામ માર્કેટ યાર્ડ (APMC) ને ખાસ સૂચના આપી દેવાઈ છે કે ખુલ્લામાં પડેલો ખેડૂતોનો અનાજનો જથ્થો તાત્કાલિક સુરક્ષિત અને ઢાંકેલી જગ્યાએ ખસેડી લેવામાં આવે, જેથી કોઈ મોટું આર્થિક નુકસાન ન થાય.
જો તમે પણ આવતા અઠવાડિયે ક્યાંક બહાર ફરવાનું કે મુસાફરી કરવાનું વિચારતા હોવ, તો સાથે રેઈનકોટ કે છત્રી રાખવાનું ભૂલતા નહીં, કારણ કે ગુજરાતનું હવામાન ગમે ત્યારે પલટી મારી શકે છે!
Frequently Asked Questions
ગુજરાતમાં ક્યારે અને કયા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે?
કમોસમી વરસાદથી લોકોને શું રાહત મળશે?
આગામી 5 દિવસમાં તાપમાન 2 થી 5 ડિગ્રી ઘટશે, જેનાથી લોકોને ગરમી અને બફારાથી થોડા દિવસો માટે રાહત મળશે.
કમોસમી વરસાદથી ખેડૂતોને શું નુકસાન થઈ શકે છે?
ખેતરમાં તૈયાર થયેલા શિયાળુ પાક (રવિ પાક) ને આ માવઠાથી ભારે નુકસાન થવાની શક્યતા છે, જેનાથી ખેડૂતો ચિંતિત છે.
કમોસમી વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા શું પગલાં લેવાયા છે?
તંત્ર દ્વારા તમામ માર્કેટ યાર્ડ (APMC) ને સૂચના આપવામાં આવી છે કે ખુલ્લામાં પડેલો ખેડૂતોનો અનાજનો જથ્થો તાત્કાલિક સુરક્ષિત અને ઢાંકેલી જગ્યાએ ખસેડી લેવામાં આવે.






















