હવામાન વિભાગે (IMD) જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાનો પવન છે. તેના કારણે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યભરમાં સૂકું વાતાવરણ રહેશે અને ઠંડીમાં આંશિક વધારો જોવા મળશે. શનિવારે અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 36.2 ડિગ્રી નોંધાયું હતું પણ રાત્રે તાપમાન ઘટ્યું હતું, હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ લઘુતમ તાપમાન 19 અને સરેરાશ મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહેશે. અમદાવાદમાં દિવસે ગરમી-રાત્રે ઠંડી એમ ડબલ સિઝન અનુભવાઇ શકે છે.
ગુજરાતનાં બીજાં શહેરોમાં પણ ઠંડીનો ચમકારો નોંધાયો છે. રાજ્યમાં 18 ડિગ્રી સાથે નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. 19.4, કંડલામાં 19.9 સાથે 20 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં 22.7, સુરતમાં 26.2, ગાંધીનગરમાં 22, વડોદરામાં 23.2 ડિગ્રી લઘુતમ તાપમાન હતું. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં નવેમ્બરના પ્રથમ સપ્તાહથી ઠંડી વધવા લાગશે.