Gujarat Rain Red Alert: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેના કારણે રાજ્યમાં જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે હવામાન વિભાગે બનાસકાંઠા સહિત 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. વરસાદનો કહેર એટલો છે કે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને રૂટ ડાઈવર્ટ કરવો પડ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી 40,500 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે 6,367 લોકોનું દિલધડક રેસ્ક્યૂ કરાયું છે. દુઃખદ વાત એ છે કે પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જવાથી 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. બીજી તરફ, નવસારીના પૂરગ્રસ્ત વિસ્તારો માટે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે તાત્કાલિક સહાયની જાહેરાત કરીને લોકોને મોટી રાહત આપી છે.

Continues below advertisement

હવામાન વિભાગની આગાહી: ક્યાં કયું એલર્ટ?

હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટે રાજ્યના અનેક જિલ્લાઓમાં સાવચેતી રાખવા જણાવાયું છે. ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મહેસાણા, મોરબી અને સાબરકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, કચ્છ, જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, દીવ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે.

Continues below advertisement

આખા દિવસની આગાહીની વાત કરીએ તો, હવામાન વિભાગે અત્યંત ભારે વરસાદની આશંકા સાથે વાવ-થરાદ અને બનાસકાંઠા સહિત કુલ 9 જિલ્લામાં રેડ એલર્ટ જારી કર્યું છે. આ સાથે અમદાવાદ સહિત 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 7 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

કપરાડા અને દિયોદરમાં નોંધાયો સૌથી વધુ વરસાદ

આજે સવારના 6 વાગ્યાથી લઈને બપોરના 4 વાગ્યા સુધીના આંકડા પર નજર કરીએ તો, રાજ્યના 195 તાલુકાઓમાં 1 મિમીથી લઈને અઢી ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં 2.8 ઇંચ અને વાવ-થરાદના દિયોદરમાં 2 ઇંચ જેટલો ખાબક્યો છે. સતત વરસી રહેલા આ વરસાદના કારણે અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં હજુ પણ પાણી ઓસર્યા નથી, જેથી લોકો પોતાના જ ઘરોમાં કેદ રહેવા મજબૂર બન્યા છે.

આ પણ વાંચોઃ આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં આકાશમાંથી તૂટી પડશે આફત, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ-રાજકોટ હાઈવે બંધ, 900 લોકોનું દિલધડક રેસ્ક્યૂ

વરસાદની સૌથી માઠી અસર વાહનવ્યવહાર પર જોવા મળી રહી છે. રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર બાવળા પાસે પૂરના ધસમસતા પાણી વહી રહ્યા હોવાથી ગંભીર સ્થિતિ ઊભી થઈ છે. આ કારણે બગોદરાથી સનાથલ સુધીનો આખો માર્ગ વાહનો માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે. હાઈવે બંધ થતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે, જેથી તંત્ર દ્વારા અમદાવાદ અને રાજકોટ વચ્ચે મુસાફરી કરતા વાહનો માટે બગોદરાથી વેજળકા થઈને ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે. આ દરમિયાન બાવળાના ગેલોપ્સ પાર્ક પાસે પૂરના પાણીમાં 900 જેટલા લોકો ફસાઈ ગયા હતા. આ તમામ લોકોને બચાવવા માટે પોલીસ અને SDRF ની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે સફળ રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.

નવસારીના પૂરગ્રસ્તો માટે આર્થિક સહાયની જાહેરાત

આ કપરી પરિસ્થિતિમાં નવસારી જિલ્લામાં પૂરનો ભોગ બનેલા લોકો માટે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે ખાસ સહાયની જાહેરાત કરી છે. પૂરગ્રસ્ત પરિવારોને ઘરવખરીના થયેલા નુકસાન બદલ ₹6,800 ની સહાય ચૂકવવામાં આવશે, જેમાંથી ₹1,800 ની રકમ તાત્કાલિક ધોરણે આપી દેવામાં આવશે. આ સિવાય, પશુધનના નુકસાનને પહોંચી વળવા માટે ગાય અને ભેંસ દીઠ ₹37,500 તેમજ બકરી દીઠ ₹22,000 ની આર્થિક સહાય પણ આપવામાં આવશે.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?