અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગ રૂપે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં સર્જાયેલ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ અને સૌરાષ્ટ્રમા સર્જાયેલા સિસ્ટમના કારણે વરસાદ વરસી રહ્યો છે. એક તરફ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે ગરમી પડી રહી છે, તો બીજી તરફ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાવાની માહિતી સામે આવી રહી છે. આ વાવાઝોડું ગુજરાત તરફ આવશે તેમ માનવામાં આવે છે.
અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાઇ શકે
હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઇ શકે છે. જેના કારણે વાવઝોડાની શક્યતા સેવાઇ રહી છે. જો વાવાઝોડું ગુજરાત તરફ ફંટાશે તો ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે પરંતુ જો અન્ય જગ્યા ફંટાઇ જાય તો પણ 22 મેની આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે.
આજે પણ દક્ષિણ ગુજરાતના નર્મદા, વલસાડ, તાપી અને ડાંગ જેવા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. આ સાથે જ ગઈકાલે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં (2 ઈંચ) વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત તાપીના નિઝરમાં 20 મીમી વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે રાજકોટ, બોટાદ, અરવલ્લી, સાબરકાંઠા, ભાવનગર અને મહિસાગરમાં પણ વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં ચોમાસું વહેલું આવશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આંદામાન અને નિકોબાર ટાપુઓ સુધી પહોંચી ગયું છે, જે આગામી 10 દિવસમાં કેરળ કિનારે પહોંચશે. સામાન્ય રીતે ચોમાસુ 1 જૂનની આસપાસ કેરળના દરિયાકાંઠે પહોંચે છે, પરંતુ આ વખતે ચોમાસુ ચાર દિવસ વહેલું કેરળ પહોંચવાની ધારણા છે. તેવી જ રીતે, સામાન્ય રીતે ચોમાસુ ગુજરાતમાં 15 જૂનની આસપાસ આવે છે, પરંતુ જો ચોમાસુ આ ગતિએ ચાલુ રહેશે તો તે વહેલું દસ્તક દેશે. ગુજરાતમાં 22 મેથી વરસાદ શરૂ થઇ શકે છે. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે દક્ષિણપશ્ચિમ ચોમાસું 27 મેના રોજ કેરળ પહોંચે તેવી શક્યતા છે, જે સામાન્ય રીતે 1 જૂનના રોજ આવે છે. હવામાન વિભાગે આશા વ્યક્ત કરી છે કે જો આ સ્થિતિ યથાવત રહેશે તો આ વર્ષે ચોમાસુ સમય પહેલા આવી શકે છે.