આગામી દિવસોમાં ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. 20 જાન્યુઆરી બાદ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ કે માવઠું થઈ શકે છે.
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
હવામાનમાં પલટો આવવાની શક્યતા: 20 જાન્યુઆરી બાદ ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસર ગુજરાત પર થશે; નલિયા 10.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું.

Gujarat Unseasonal Rain Forecast: ગુજરાતવાસીઓ હાલ વિચિત્ર હવામાનનો અનુભવ કરી રહ્યા છે. રાજ્યમાં હાલ 'બેવડી ઋતુ' (Dual Season) નો માહોલ જામ્યો છે, જેમાં વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે આકરો તડકો પડી રહ્યો છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD) તરફથી એક મહત્વની આગાહી સામે આવી છે. આગામી દિવસોમાં દેશમાં એક પછી એક એમ કુલ 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) સક્રિય થવાની ભીતિ સેવાઈ રહી છે. જેની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર પડી શકે છે. ખાસ કરીને 20 January બાદ વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે, જેને પગલે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય કમોસમી વરસાદ (Unseasonal Rain) અથવા માવઠું થવાના સંકેત મળી રહ્યા છે.
ઉત્તર ભારતમાં હિમવર્ષા, ગુજરાતમાં ઠંડી વધશે
હવામાન વિભાગના (IMD) જણાવ્યા અનુસાર, આગામી એક સપ્તાહ દરમિયાન ઉત્તર ભારતમાં ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેના કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પશ્ચિમી હિમાલય વિસ્તારમાં ભારે વરસાદ અને હિમવર્ષા (Snowfall) થવાની સંભાવના છે. પહાડો પર થતી આ હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં પણ વર્તાશે. ઉત્તર-પશ્ચિમી ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થતાં ગુજરાતમાં પણ ઠંડીનું જોર વધશે. જોકે, હાલ પૂરતું રાજ્યમાં કોઈ મોટા વાવાઝોડા કે ભારે વરસાદની શક્યતા નહિવત છે, પરંતુ વાદળછાયું વાતાવરણ અને છૂટોછવાયો વરસાદ ખેડૂતોની ચિંતા વધારી શકે છે.
તાપમાનના આંકડા અને સ્વાસ્થ્ય ચેતવણી
હાલના તાપમાનની વાત કરીએ તો, આગામી દિવસોમાં લઘુતમ તાપમાન (Minimum Temperature) 14 થી 15 ડિગ્રી અને મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રીની આસપાસ રહેવાનું અનુમાન છે. ઠંડી, ગરમી અને સંભવિત વરસાદના આ મિશ્ર વાતાવરણને કારણે લોકોમાં વાયરલ ઇન્ફેક્શન (Viral Infection) ના કેસો વધવાની શક્યતા છે, તેથી નાગરિકોને સ્વાસ્થ્ય સંભાળવાની સલાહ આપવામાં આવે છે.
નલિયામાં કાતિલ ઠંડી
બીજી તરફ, રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. કચ્છનું નલિયા (Naliya) આજે 10.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર નોંધાયું હતું. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના અન્ય શહેરોમાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે. પોરબંદરમાં 11 ડિગ્રી, અમરેલીમાં 11.6 ડિગ્રી અને ઉત્તર ગુજરાતના ડીસામાં 11.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આમ, આગામી સપ્તાહ ગુજરાતના હવામાન માટે ઘણું ઉતાર-ચઢાવવાળું બની રહેવાની શક્યતા છે.
Frequently Asked Questions
ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે?
ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગુજરાત પર શું અસર થશે?
ઉત્તર ભારતમાં ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી ત્યાં હિમવર્ષા થશે. તેની અસર ગુજરાત પર પણ પડશે, જેના કારણે ઉત્તર-પશ્ચિમી ઠંડા પવનો ફૂંકાશે અને ઠંડી વધશે.
ગુજરાતમાં લઘુતમ અને મહત્તમ તાપમાન કેટલું રહેવાની શક્યતા છે?
આગામી દિવસોમાં લઘુતમ તાપમાન 14 થી 15 ડિગ્રી અને મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રીની આસપાસ રહેવાનું અનુમાન છે.
મિશ્ર હવામાનને કારણે સ્વાસ્થ્ય પર શું અસર થઈ શકે છે?
ઠંડી, ગરમી અને સંભવિત વરસાદના મિશ્ર વાતાવરણને કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસો વધી શકે છે. તેથી નાગરિકોને સ્વાસ્થ્યની કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે.
રાજ્યમાં સૌથી ઠંડુગાર શહેર કયું નોંધાયું?
કચ્છનું નલિયા આજે 10.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર નોંધાયું હતું. સૌરાષ્ટ્ર-કચ્છના અન્ય શહેરોમાં પણ તાપમાન ઘટ્યું છે.






















