આગામી 5 દિવસ ગુજરાતના લોકો સાવધાન થઈ જજો. કારણ કે હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, બંગાળની ખાડીમાં લો-પ્રેસર અને સાયક્લોનિક સરક્યુલેશનના કારણે સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 28 અને 29 જુલાઈએ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. મહત્વની વાત એ છે કે, 31 જુલાઈએ પણ ફરી લો-પ્રેસર બનતા ગુજરાતના ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના મોરબી, અમરેલી, રાજકોટ, જામનગર, દ્વારકા પંથકમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી દિવસોમાં હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેને ધ્યાનમાં રાખીને વડોદરાની NDRFની 30 સભ્યોની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અરવલ્લી જિલ્લાના તમામ અધિકારીઓની રજા રદ્દ કરી દેવામાં આવી છે.
રાજકોટ, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદના લઈને સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રશાસન એલર્ટ થઈ ગયું છે. આ ઉપરાંત NDRFની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે. ભારે વરસાદને લઈને સૌરાષ્ટ્રમાં મોટા ભાગના અધિકારીઓની રજા રદ્દ કરી દેવામાં આવી છે.
બંગાળની ખાડીનાં પશ્ચિમ કાંઠે લો-પ્રેશર સક્રિય થયું છે. જેની અસર 27થી 30 જુલાઈ દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. એટલું જ નહીં લો-પ્રેશરની સિસ્ટમ પશ્ચિમ તરફ ગતિ કરતાં 27 જુલાઈથી લઈને 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ પડશે. જે અત્યાર સુધીની વરસાદની ઘટ પૂરી કરશે.