અમદાવાદ : રાજ્યમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, આજે ગુજરાતના અમુક જિલ્લામાં ગાજવીજ સાથે છુટાછવાયા વરસાદની આગાહી છે.
ગાજવીજ સાથે સામાન્ય છૂટાછવાયા વરસાદની આગાહી
કચ્છ , બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ , સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે છોટા ઉદેપુર , નવસારી, તાપી , ડાંગ , વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે સામાન્ય છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો ઘટાડો થશે
હવામાન વિભાગના મતે કમોસમી વરસાદને લઈ તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો ઘટાડો થશે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે ત્યારે મેઘરાજાએ સમગ્ર ગુજરાતને ઘમરોળી નાંખ્યું હતું. રવિવારે રાજ્યનાં 220 તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં 44 તાલુકાઓમાં તો એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથમાં અનેક સ્થળોએ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. લોધિકામાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
બનાસકાંઠા, સાબરકાંઠા , અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી સહિત તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ભાભર અને રાધનપુરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદથી ખેતરમાં રહેલા શિયાળુ પાકને નુકસાનની ભીતી સેવાઈ રહી છે.. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં કપાસ, ઘઉં, મગફળી જેવા પાકનું વાવેતર થયેલું છે. જ્યાં વરસાદ વરસતા ખેડૂતોને પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની આશંકા છે. ભર શિયાળે ખેડૂતોનાં ખેતરમાં વરસાદી પાણી ભરાયા હતા.
વંથલી, તાલાલા અને અંકલેશ્વરમાં સૌથી વધુ બે ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 36 તાલુકામાં એકથી પોણા બે ઈંચ વરસાદ પડ્યો છે. તો બીજી તરફ રાજ્યમાં વીજળી પડવાથી અત્યાર સુધી 13 લોકોના મૃત્યુ થયા છે. વીજળી પડવાની ઘટનાથી દાહોદમાં 3, ભરૂચમાં 2, અમદાવાદ, સાબરકાંઠા, ખેડા ,પંચમહાલ,બોટાદ, મહેસાણા, સુરેન્દ્રનગર અને અમરેલીમાં 1-1 માનવ મૃત્યુ નોંધાયા છે. આ ઉપરાંત રાજ્યમાં વીજળી પડવાથી અત્યાર સુધી કુલ 39 પશુઓના મૃત્યુ નોંધાયા છે. સૌથી વધુ પશુ મૃત્યુ ખેડામાં 15 પશુઓના મૃત્યુ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial