ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: થરાદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ચુંટણી પ્રચારના આજથી શ્રી ગણેશ કર્યા છે. કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુતે પગપાળા ચુંટણી પ્રચાર શરૂ કર્યો છે. આજે દિવસભર ગુલાબસિંહ રાજપુત પદયાત્રા કરી ચૂંટણી પ્રચાર કરશે. થરાદના વજેગઢથી લાખણીના ગેળા હનુમાનજી મંદિરે ગુલાબસિંહ રાજપુત શિશ ઝુકાવશે અને 8 ગામોમાં ચૂંટણી પ્રચાર કરશે. વજેગઢ, મલુપુર ગામથી પદયાત્રા દ્રારા ચૂંટણી પ્રચારની શરૂઆત કરીને ગુલાબસિંહે રણશીંગુ ફૂકી દીધુ છે. નોંધનીય છે કે આ વખતે થરાહ બેઠક પર શંકર ચૌધરીએ બીજેપી તરફથી ઉમેદવારી નોંધાવી છે.


અમદાવાદના બાપુનગરથી વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં  AIMIM  બાપુનગરના ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે. બાપુનગરના AIMIM ના ઉમેદવાર શાહનવાઝ ખાન પઠાણે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે. તમને જણાવી દઈએ કે, શાહનવાઝ ખાન પઠાણ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરનો ભત્રીજો છે. ફોર્મ પરત લઇને શાહનવાઝ ખાન પઠાણે કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કર્યો છે. આમ બાપુનગર બેઠક પર કોંગ્રેસને થોડી રાહત મળી છે.


વાઘોડિયા વિધાનસભામાં ભાજપમાં મોટું ભંગાણ


વડોદરાની સૌથી ચર્ચાસ્પદ ગણાતી વાઘોડિયા વિધાનસભામાં આજે ભાજપમાં ભંગાણ સર્જાયું છે. નવાઈની વાત તો એ છે કે ભાજપના 300 કાર્યકરોએ રાજીનામું આપી અપક્ષના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને સમર્થન આપ્યું છે.


ચૂંટણી આવે કે ન આવે પરંતુ વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક કાયમ ચર્ચામાં રહેતી હોય છે. જેમાં આ વખતે ભાજપે 6 ટર્મથી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું પત્તુ કાપીને અશ્વિન પટેલને ઉમેદવાર બનાવ્યા છે. જેને લઈને અહીં ત્રીપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. ગત ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવ સામે 10 હજાર મતથી હારેલા ભાજપના પૂર્વ નેતા અને અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા હાલ પુરજોશમાં પ્રચાર કરી રહ્યા છે અને તેઓએ આજે ભાજપમાં ભંગાણ સર્જી વાઘોડિયા વિધાનસભાના 300 જેટલા હોદ્દેદારો અને કાર્યકરોને પોતાના સમર્થનમાં કર્યા છે. કારણકે આ બેઠક પર ક્ષત્રિય મતદાર વધુ હોવા છતાં ક્ષત્રિયને ટિકિટ ભાજપે આપી નથી.


એટલે હવે અહીં ભાજપના અશ્વિન પટેલ, કોંગ્રેસના સત્યજીતસિંહ ગાયકવાડને છોડીએ તો અપક્ષના ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને અપક્ષથી જ ચૂંટણી લડતા મધુ શ્રીવાસ્તવ એમ બે બાહુબલીઓ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે.


સુરતમાં ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં જોડાયા


 ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા સુરતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.  ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સુધા નાહટા ભાજપમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં સત્તાવાર જોડાયા છે. તેમણે મજુરા વિધાનસભામાં આપના કન્વીનર બની પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે. ભાજપમાં આંતરિક જૂથબંધી અને વ્યક્તિ પૂજાથી વ્યથિત થઈને રાજીનામું આપ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.