Gyan Setu Scheme 2025: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ શાળાઓના તેજસ્વી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે મહત્વપૂર્ણ પગલાં લેવાઈ રહ્યા છે. આ પહેલના ભાગરૂપે, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે યોજવામાં આવતી ધોરણ પાંચના વિદ્યાર્થીઓ માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)માં સફળતા મેળવેલા બાળકો માટે આજે ઓનલાઈન પ્રવેશ ફાળવણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી આ પ્રક્રિયા ઓનલાઈન માધ્યમથી પૂર્ણ કરી હતી.
આ ઓનલાઈન ફાળવણી પ્રક્રિયા વેળાએ મુખ્યમંત્રી સાથે શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
૨૦ હજારથી વધુ બાળકોને નિવાસી શાળામાં પ્રવેશ:
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ વર્ષે ૨૨ માર્ચે ધોરણ પાંચના વિદ્યાર્થીઓ માટે CETનું આયોજન કરવામાં આવ્યું હતું. આ CETમાં સફળતા મેળવીને મેરીટમાં સમાવિષ્ટ થયેલા ૨૦ હજાર કરતાં વધુ બાળકોને રાજ્યની ૧૧૫ નિવાસી શાળાઓમાં પ્રવેશ માટેની ઓનલાઈન ફાળવણી કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ CETમાં સફળ થયેલા ધોરણ પાંચના વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે ઓનલાઈન સ્કોલરશીપ અને નિવાસી શાળાની ફાળવણી કરી હતી.
વિવિધ નિવાસી શાળાઓમાં પ્રવેશ ફાળવણી વિગતો:
આ ફાળવણી અંતર્ગત વિવિધ પ્રકારની નિવાસી શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે:
- ૪૨ જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ: ૧૨,૪૫૦ વિદ્યાર્થીઓ
- ૧૩ સ્વામી વિવેકાનંદ ટ્રાયબલ જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ: ૩૯૦૦ વિદ્યાર્થીઓ
- ૧૦ રક્ષાશક્તિ સ્કૂલ: ૭૦૦ વિદ્યાર્થીઓ
- ૨ સૈનિક સ્કુલ અને ૫૦ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ્સ (EMRS): ૩૦૨૦ વિદ્યાર્થીઓ
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજના હેઠળ ₹૧૬ કરોડથી વધુની રકમ ચૂકવાશે:
નિવાસી શાળામાં પ્રવેશ ફાળવણીની સાથે સાથે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના હસ્તે કુલ ૩૦ હજાર વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજના અન્વયે રૂપિયા ૧૬ કરોડથી વધુની રકમ DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) ના માધ્યમથી ચૂકવવાની પ્રક્રિયા પણ કરવામાં હતી. આ ૩૦ હજાર વિદ્યાર્થીઓમાં ૧૪,૫૯૫ કુમાર અને ૧૫,૪૦૫ કન્યાઓનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજના રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ શાળાઓના વિદ્યાર્થીઓને ધોરણ ૬ થી ૧૨ સુધીનું શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત થઈ શકે તે ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી છે. આ સ્કોલરશીપ માટેની પરીક્ષામાં ઉમેદવારીની પ્રક્રિયા પણ ઓનલાઇન કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ ૨૦૨૫ ૨૬ માટે કુલ ૫૦,૦૭૦ જગ્યાઓ માટે વિદ્યાર્થીઓને નિવાસી શાળા અથવા સ્કોલરશીપની ઓનલાઈન ફાળવણી કરી તે પ્રસંગે મુખ્યમંત્રી ના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, આદિજાતિ વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ જે.પી. ગુપ્તા, શિક્ષણ અગ્ર સચિવ મુકેશકુમાર, સમગ્ર શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટર રંજીથ કુમાર અને શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.