મહીસાગર:  લુણાવાડાથી ગાંધીનગર અને અમદાવાદને જોડતા માર્ગ ઉપર આવેલ હાડોડ નવીન હાઈ લેવલ બ્રિજ બીજા દિવસે પણ વાહન વ્યવહાર માટે બંધ છે.  હાડોડ બ્રિજના બાજુમાં આવેલ બંને તરફના માર્ગનો ભાગ બેસી ગયો છે.  રૂપિયા 18 કરોડના ખર્ચે બનાવેલ પુલ બીજા વર્ષે જ લોકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે. 


ગયા વર્ષે જ આ હાઈ લેવલ બ્રિજ ઉપર માત્ર એક લાખ ક્યુસેક પાણી છોડાતા હાડોડ ગામ તરફના ભાગ બાજુ ગાબડું પડ્યું હતું. આ વર્ષે કડાણા ડેમમાંથી દસ લાખ ક્યુસેક પાણી છોડાતા હડોડ નવીન બ્રિજના બંને તરફના માર્ગનો ભાગ ધોવાયો છે. 




હાલ બ્રિજની બંને બાજુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી માર્ગને બંધ કરી દેવામાં આવ્યો છે.  વર્ષ 2022 માં તત્કાલીન મંત્રી પુણેશ મોદી દ્વારા બ્રિજનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.   જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સુરેશ પટેલએ ભ્રષ્ટાચાર થયો હોવાનો  આરોપ લગાવ્યો છે. જિલ્લા કૉંગ્રેસ પ્રમુખે કહ્યું,  પાણીનો પ્રવાહ ઓછો થાય તો બ્રિજ નુકસાની  અંગે માહિતી મળી શકે છે. મોરબી જેવી ઘટના ન ઘટે તેવી તકેદારી રાખવા તંત્રને રજૂઆત કરી છે.  સરકારના પૈસા પૂરના પાણીમાં વહી ગયા હોય તેવી સ્થિતિ સર્જાય છે.  બંને બાજુનો એપ્રોચ માર્ગ ધોવાયો છે. 


વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી 


ગુજરાતમાં વરસાદી આગાહીને લઇને આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, હમણાં ગુજરાતને વરસાદથી રાહત નહીં મળી શકે, ગુજરાતમાં હજુ પણ વરસાદ વરસવાનું ચાલુ રહેશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ઓકટોબરમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત ઉભા થઇ રહ્યા છે, આ ચક્રવાતના કારણે ગુજરાતનું વાતાવરણ તોફાની બની રહેશે. આગામી 19 અને 20 તારીખે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની પડવાની શક્યતા છે. 


અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, રાજ્યમાં બનાસકાંઠા, દક્ષિણ રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં ભારે વરસાદ પડશે. થરાદ, વવા, કાંકરેજ, અમીરગઢ, તખતગઢ, ડીસા, દાંતીવાડા અને પાલનપુરમાં પણ ભારે વરસાદની શક્યતા છે. રાધનપુર, સાંતલપુર અને ધાનેરામાં અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. આની સાથે સાથે બનાસ નદીમાં પુર આવવાની પુરી શક્યતા છે. સાબરમતી નદીમાં પાણીનો આવરો વધવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે. ધરોઈ ડેમમાં પાણીની સપાટીમાં વધારો થવાની શક્યતા છે. એટલુ જ નહીં જામનગરમાં 18, 19 અને 20માં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રામાં પણ ભારે વરસાદની શક્યતા છે. કચ્છમાં પણ 18, 19 અને 20 તારીખે ભારેથી અતિભારે વરસાદ થશે. રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર, મુન્દ્રા અને જખૌમાં ભારે વરસાદની પડવાની શક્યતા છે. ભુજ, નખત્રાણા અને માંડવીમાં ભારે વરસાદની શક્યતા છે.