Morbi News: જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીની કારને અકસ્માત નડ્યો છે. જોકે, આ અકસ્માતમાં હકાભા ગઢવીનો આબાદ બચાવ થયો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ગઈકાલે સુરેન્દ્રનગરના પીપળા અને બૈસાબગઢ વચ્ચે ઘટના બની હતી. હિંગળાજ માતાના દર્શનેથી પરત ફરતી વખતે સાપ આડો ઉતરતા હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી હતી. હકાભા ગઢવીની કારની પાછળ જ અન્ય એક ગાડીમાં તેમના મિત્રો પણ આવી રહ્યા હતા. અકસ્માતની જાણ થતા જ પાછળથી આવતા મિત્રોએ ત્વરિત હકાભા ગઢવીને કારમાંથી સલામત રીતે બહાર કાઢ્યા હતા. સદનસીબે અકસ્માતમાં હકાભા ગઢવીને કોઈ પણ પ્રકારની ઈજા થઈ નથી. તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત રહેતા તેમના ચાહકો અને પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર
ગુજરાતમાં બે દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ (IMD) દ્વારા સવારે 7:00 AM થી 10:00 AM સુધીનું નાઉકાસ્ટ (Nowcast) જાહેર કરવામાં આવ્યું છે. આગામી 3 કલાક દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદ એમ 6 જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ (Orange Alert) જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં 41 થી 61 kmph ની ઝડપે ફુંકાતા પવન સાથે વરસાદ પડી શકે છે.
જ્યારે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ભરૂચ, ભાવનગર, અમરેલી અને રાજકોટ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ (Yellow Alert) આપવામાં આવ્યું છે.
અમદાવાદમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ અને વરસાદઅમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી છે. શહેરના વસ્ત્રાપુર, શ્યામલ, એસજી હાઇવે, પ્રહલાદ નગર, ગોતા, વૈષ્ણવદેવી અને વેજલપુર જેવા વિસ્તારોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ નોંધાયો છે.
વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે સવારના સમયે વિઝિબિલિટી (Visibility) ખૂબ જ ઘટી ગઈ હતી, જેના કારણે વાહનચાલકોને દિવસ દરમિયાન પણ હેડલાઈટ ચાલુ રાખીને વાહનો ચલાવવાની ફરજ પડી હતી. વહેલી સવારે જ વરસાદને કારણે રસ્તાઓ પર વાહન વ્યવહાર ધીમો પડ્યો હતો. જો આગામી કલાકોમાં વધુ ધોધમાર વરસાદ પડશે તો શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાને પગલે સ્થાનિક રહીશોમાં ચિંતા જોવા મળી રહી છે.
મોરબી અને નવસારીમાં પણ ધોધમાર વરસાદમોરબી: મોરબીના માળીયા તાલુકા અને તેના ગ્રામ્ય વિસ્તારો જેવા કે વેજલપર, ખાખરેચી અને જુનાઘાટીલામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સારા વરસાદને કારણે વિસ્તારના ખેડૂતોમાં આનંદ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
નવસારી: બીજી તરફ દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં બે દિવસના વિરામ બાદ ગણદેવી તાલુકામાં ફરી વરસાદ શરૂ થયો છે. તાજેતરમાં જ આવેલ પૂરની સ્થિતિ બાદ ફરીથી ધોધમાર વરસાદ શરૂ થતાં સ્થાનિક લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
