ગાંધીનગર: ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપના અગ્રણી નેતાઓ એક બાદ એક સભા અને બેઠકો કરી રહ્યા છે. આ દરનમિયાન સમાચાર સામે આવ્યા છે કે, ભાજપની ગૌરવ યાત્રા શરુ થતા પહેલા ફેરફાર કરવામાં આવ્યો છે. ઉતર ગુજરાતની ગૌરવ યાત્રામાં હાર્દિક પટેલની જગ્યાએ ઋષિકેશ પટેલ ,રજની પટેલ,નંદાજી ઠાકોર, નીતિન પેટલ નેતૃત્વ સોપવામાં આવ્યું છે. કેન્દ્રીય નેતૃત્વમાં દાનવે રાવસાહેબની સાથે પરષોત્તમ રૂપાલા પણ નેતૃત્વ કરશે. 12 ઓક્ટોબરે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સાથે હાર્દિક પટેલ જોડાવાનો હતો. નોંધનિય છે કે, મહેસાણામાં હાર્દિક પટેલ વિરુધ્ધ કેસ ચાલી રહ્યો છે. તે અંદર જામીન અરજીનો ભંગ ન થાય તે માટે કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા આ નેતાને કારણે પાર્ટીમાં ઘમાસાણ
ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા કુલદીપસિંહ રાઉલજીના કારણે હવે કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે. વિધાનસભા ચૂંટણી પહેલા ટિકિટને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. 4 વખત ધારાસભ્ય અને મંત્રી રહી ચૂકેલા ખુમાનસિંહ ચૌહાણે કુલદીપસિંહ રાઉલજી સામે બાયો ચડાવી છે. તમને જણાવી દઈએ કે, ખુમાનસિંહ કોંગ્રેસના દિગ્ગજ નેતા છે. હવે તેમણે વિરોધ નોંધવતા સમગ્ર વિસ્તારમાં રાજકીય હડકંપ સર્જાયો છે. તેમણે કહ્યું કે, હું જ સાવલી વિધાનસભા બેઠક માટે કોંગ્રેસનો ઉમેદવાર છું. તેમણે એમ પણ કહ્યું કે, હું કોંગ્રેસમાંથી લડીશ અને જીતીશ. તેમણે એમ પણ કહ્યું કે, ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા કુલદીપસિંહ રાઉલજીને ટિકિટ આપી તો કોંગ્રેસની કારમી હાર થશે.
10 વર્ષથી ભાજપમાં રહેલા કુલદીપસિંહ રાઉલજીએ ભાજપ મોવડી પાસે ટિકિટ માંગી હતી પણ ટિકિટ ન મળવાના એંધાણ મળતા જ કોંગ્રેસમાં જોડાયા હતા. જોકે 2017માં ખુમાનસિંહને કોંગ્રેસે ટિકિટ ન આપતા તેઓ એન.સી.પીમાં જોડાયા હતા અને ચૂંટણી હાર્યા હતા. આમ કોંગ્રેસમાં ઉમેદવાર જાહેર થાય તે પહેલા જ વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ખુમાનસિંહે કહ્યું કે, માની લો કે કુલદીપસિંહ રાઉલજીને કોંગ્રેસમાંથી ટીકિટ મળે અને જીતે તો પણ 4 મહિના પછી ભાજપમાં જોડાઈ જશે. કોંગ્રેસમાંથી ભાજપમાં જતા ધારાસભ્યોની માફક કુલદીપસિંહ મામલે પણ ખુમાનસિંહએ શંકા વ્યક્ત કરી છે.
7 ઓક્ટોબરે રાઉલજી કોંગ્રેસમાં જોડાયા હતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. બીજી તરફ પક્ષપલટાની સિઝન પણ પૂર જોશમાં ચાલી રહી છે. ભાજપે હર્ષ રિબડિયાને પોતાની પાર્ટીમાં લઈને કોંગ્રેસને ઝટકો આપ્યો હતો. તો આજે કોંગ્રેસે વળતો પ્રહાર કરતા વડોદરા ભાજપના આગેવાન કુલદીપસિંહ રાઉલજીને કોંગ્રેસમાં જોડ્યા છે. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું.આ અવસરે પૂર્વ પ્રમુખ અમિત ચાવડા અને સિદ્ધાર્થ પટેલ હાજર રહ્યા હતા.