અમદાવાદઃ ગુજરાતમાં ફરી પાટીદાર અનામત આંદોલનને વેગીલું બનાવવાના પ્રયાસો શરૂ થયા છે. આ માહોલમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે નરેશ પટેલને કૉંગ્રેસમાં જોડવા આમંત્રણ આપ્યું છે.


ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલને હાર્દિક પટેલે પત્ર લખી કોંગ્રેસમાં સક્રિય થવા આમંત્રણ આપ્યું છે. હાર્દિક પટેલે પાટીદાર સમાજ સાથે વર્તમાન સરકાર અન્યાય કરતી હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. પાટીદાર ખેડૂત અને વેપારીઓને ભાજપ સરકાર પરેશાન કરતી હોવાનો આક્ષેપ પણ કર્યો છે.


હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદાર યુવાનો પર થયેલા કેસનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. હાર્દિક પટેલે સત્તા પક્ષ પૈસા અને સરકારી તંત્રના જોરે બેફામ બન્યો હોવાનો આરોપ પણ મૂક્યો છે.


હાર્દિકનો પત્ર શબ્દશઃ


ખુલ્લો પત્ર


સ્નેહી,


શ્રી નરેશભાઇ પટેલ,


પ્રમુખશ્રી,


શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ, રાજકોટ.


તમે જાણો છો કે ગુજરાતમાં છેલ્લા ૩૦ વર્ષથી એક જ પક્ષનું શાસન છે અને આ પક્ષની તાનાશાહી પ્રવૃત્તિથી આપણું ગરવી ગુજરાત છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ અન્યાયી પ્રથાઓ ભોગવી રછું છે, કારણ એ પણ છે કે સત્તાપક્ષ પૈસા અને સરકારી તંત્રના જોરે બેફામ બની ગઇ છે.


સરકારની તાનાશાહીનો સૌથી વધુ ભોગ આપણા પાટીદાર સમાજના હજારો યુવાન બન્યા છે, પાટીદાર સમાજના હજારો પરિવાર ખેતી અને વ્યવસાયમાં અનેક સમસ્યાઓનો સામનો કરે છે. તમે સારી રીતે જાણો છો કે કેવી રીતે આપણા ખેડ્તોની માંગણીઓ સંતોષવામાં આવી નથી અને થાસક પક્ષના નેતાઓ દ્વારા તમામ સ્તરે આપણા વેપારીઓને કેવી રીતે હેરાન કરવામાં આવે છે.


આ અન્યાયી વાતાવરણમાં હું તમને આગળ આવવા અને સક્રિય રાજકીય જીવનમાં જોડાવા અપીલ કરું છુ. ૨૦૧૫ થી મારા જેવા યુવાનો અન્યાય સામે જંગ લડવા નીકળ્યા છે તેવા યુવાનોને તમારું આ પગલું નવી આશા આપશે. આજ પણ હજારો પાટીદાર યુવાનો આંદોલન સમયના ખોટા કેસોથી પીડાય છે, પાટીદાર સમાજને અનુભવી નેતૃત્વની જરૂર છે.


હું તમને માત્ર વિશાળ અને મજબૂત પાટીદાર સમાજના યુવા સભ્ય તરીકે નહીં પણ ગુજરાત કોંગ્રેસના કાર્યકર તરીકે પણ લખી રથો છું. હું તમને વિનંતી કરું છુ કે તમે કોઇપણ બાહ્ય પરિબળોને ભૂલી જાઓ અને પાટીદાર યુવાનો પર વિશ્વાસ રાખીને રાજ્યના હિત અને અસ્તિત્વની લડાઇના શ્રીગણેશ કરો.