Amreli heavy rain update: રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત છે, ત્યારે અમરેલીમાં અચાનક ધોધમાર વરસાદ પડતાં લોકોને ગરમીથી મોટી રાહત મળી છે. બીજી બાજુ, હવામાન વિભાગે પણ આગામી 7 દિવસ માટે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં તાપમાન હજુ પણ 40 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાયું છે, પરંતુ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી હવે રાજ્યમાં ધીમે ધીમે વરસાદી માહોલ જામશે અને લોકોને ઉકળાટમાંથી છુટકારો મળશે તેવી પૂરેપૂરી સંભાવના છે.

Continues below advertisement

અમરેલીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

અમરેલી શહેર અને આસપાસના પંથકમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી જ અસહ્ય બફારો હતો, પરંતુ બપોર બાદ લીલીયા રોડ પર પહેલા વરસાદી ઝાપટાં પડ્યા અને જોતજોતામાં તો ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. શહેરના નાના બસ સ્ટેન્ડ, લાયબ્રેરી રોડ, લાઠી રોડ, રાજકમલ ચોક, હીરામોતી ચોક અને ભીડભંજન જેવા વિસ્તારોમાં ધીમીધારે શરૂ થયેલો વરસાદ ધોધમાર વરસ્યો હતો. ભારે વરસાદના કારણે શહેરના રોડ-રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા. લાંબા સમયના ઉકળાટ પછી વરસાદ પડતાં વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Continues below advertisement

આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ?

બીજી તરફ, હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગામી 7 દિવસ માટે રાજ્યના હવામાન અંગેની વિસ્તૃત માહિતી આપી છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને ગાંધીનગરમાં 38 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. અમદાવાદમાં આગામી દિવસોમાં પણ તાપમાન 36 થી 40 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે, જેથી લોકોને હજુ થોડા દિવસ ગરમી અને ભેજના કારણે ઉકળાટનો સામનો કરવો પડી શકે છે.

જોકે સારા સમાચાર એ છે કે, ગુજરાત રિજનની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને તેલંગાણા તરફથી એક ટ્રફ પણ બની રહ્યો છે. આ સિસ્ટમ સક્રિય થવાથી આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! અમદાવાદ, જૂનાગઢ અને કચ્છ સહિત આ વિસ્તારોમાં વરસાદ

21 થી 25 જૂન વચ્ચે વરસાદનું જોર વધશે

હવામાન વિભાગની આગાહી મુજબ, 21 થી 25 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ વધશે. આ ઉપરાંત, દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે. દરિયામાં કરંટ અને તોફાની પવનની સંભાવનાને જોતા હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ ચેતવણી (વોર્નિંગ) આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાનઃ 18 જૂને 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ