Rain Update:હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં મેઘરાજાએ જમાવટ કરી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદ આફતરૂપ બન્યો છે. ઉપલેટાના ભાયાવદરમાં જળબંબાકારની સ્થિતિ છે
હવામાન વિભાગે 22 જુલાઇ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. વરસાદના ત્રીજા રાઉન્ડમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં પડી રહ્યો છે. ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, પોરબંદર જિલ્લામાં અતિભારે વરસાદ આફતરૂપ બન્યો છે. રાજકોટના ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ઘુસી ગયા છે.
છેલ્લા 2 દિવસથી ઉપલેટા પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભાયાવદરના કાળીયાવાસ વિસ્તારમાં રૂપાવટી નદીના પાણી ઘૂસી જતાં લોકોની મુશ્કેલી વધી છે. અહીં કાળીયાવાસ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ભાયાવદરમાં કાળિયાવાસ અને દરબારગઢમાં ઘૂંટણસમા પાણી ભરાતા જનજીવન ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થયું છે.
રાજકોટના જેતપુરમાં પણ ધોધમાર વરસાદે તારાજી સર્જી છે. ધોધમાર વરસાદના કારણે જેતપુર શહેરના અનેક રસ્તા જળમગ્ન બન્યા છે તો ગામડામાં પણ ભારે વરસાદ ચિંતાનું કારણ બન્યો છે. જેતપુરના આસપાસના ગામડામાં પણ ભારે વરસાદના કારણે ખેતરો જળમગ્ન બન્યા છે. ખેતરો પાણી માં ગરકાવ થઇ જતા કપાસ, મગફળીના પાકને નુકસાની ભીતિ સેવાઇ રહી છે. અતિ વરસાદના કારણે પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. પોરબંદર તાલુકામાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. પોરબંદરના ગામડામાં ઓળદર, રતનપર, ગોસ, ટુકડા, નવીબંદર, ચીકાશા ગામમાં વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. ખેડૂતો પાકના નુકસાન થવાની આશંકાએ ચિંતિત છે.
આ પણ વાંચો
ISKCON Bridge Accident: કોણ હતો એ નબીરો જેણે નવ લોકોને કચડ્યા ? તેનો બાપ જમીન કૌભાંડનો પણ આરોપી
છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ, સૌરાષ્ટ્રમાં તારાજી; માંગરોળમાં સૌથી વધુ 14 ઇંચ
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial