બનાસકાંઠા: બિપરજોય વાવાઝોડા બાદ તેની અસર ગુજરાત પર જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતમાં આભ ફાટ્યુ છે. બનાસકાંઠાના તમામ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. પાલનપુરમાં છેલ્લા છ કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે.  જ્યારે અમીરગઢમાં પોણા ત્રણ ઈંચ, ધાનેરા, દાંતા અને દાંતીવાડામાં અઢી-અઢી ઈંચ ખાબક્યો છે.  જ્યારે વાવ, થરાદ, દિયોદર અને વડગામમાં બે-બે ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે પાલનપુર-આબુ હાઈવે બંધ કરવામાં આવ્યું છે. 


ભારે વરસાદના કારણે પાલનપુરનો ગણેશપુરા અને આંબાવાડી વિસ્તાર બેટમાં ફેરવાયો છે. નિચાણ વાળા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે.   જ્યારે પાલનપુર હાઈવે પર ગઠામણ પાટિયા પાસે દુકાનોમાં પાણી ઘૂસ્યા છે. વરસાદી તોફાનને કારણે કેટલીક દુકાનોના સેડના પતરાઓ ઉડી ગયા છે.  વીજપોલ અને ટેલીફોન પોલ પણ તુટી પડ્યા છે. બસ સ્ટેશન પાસે સર્વોદય સોસાયટીના રસ્તા પર વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં રસ્તો બંધ થયો છે.  


થરાદ ડીસા હાઇવે, રેફરલ ચાર રસ્તા, ટેલીફોન એક્સચેન્જ પાસે અને બસ સ્ટેશન વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે.  જેના કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે. રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બનાસ નદીમાં નવાં નીર આવ્યાં છે.  આબુરોડ સુધી બનાસ નદીનાં નીર પહોંચ્યાં છે.


જ્યારે પાલનપુર-અંબાજી હાઇવે પર પાણી ભરાતાં વાહનચાલકો અટવાયા છે.  એટલું જ નહીં થરાદની સોમનાથ સોસાયટીમાં ઘરોમાં ઘૂંટણ સુધી પાણી ભરાતાં ઘરવખરીનો સામાન પલળી ગયો છે.   જ્યારે જિલ્લાના અનેક નાના માર્ગો નાના વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે.


પાટણ-હારીજ હાઇવે બંધ, તોતિંગ વૃક્ષ પડતાં એકબાજુનો આખો રસ્તો બ્લૉક


બિપરજોય વાવાઝોડાના કાંઠા વિસ્તારના લેન્ડફોલ બાદ ગુજરાતમાં તબાહીના દ્રશ્યો શરૂ થઇ ગયા છે.  કાંઠા વિસ્તારમાં તબાહી મચાવ્યા બાદ હવે વાવાઝોડા અને વરસાદે ઉત્તર ગુજરાતમાં કેર વર્તાવવાનો શરૂ કર્યો છે. પાટણમાં હવે ભારે પવનના કારણે ઠેર-ઠેર વીજ પોલ અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. પાટણમાં અત્યારે પાટણ-હારીજ હાઇવે પર ઝાડ પડી જતાં રસ્તો બ્લોક થઇ ગયો છે. 


પાટણ - હારીજ માર્ગ પર એક તોતિંગ વૃક્ષ પડવાથી એકબાજુનો આખો રસ્તો જામ થઇ ગયો છે, હાલમાં આ રસ્તાને બંધ કરવામાં આવ્યો છે. વાહન ચાલકોને તકલીફ વધુ ના પડે તે માટે વન વિભાગને જાણ કરવામાં આવી હતી, તાત્કાલિક ધોરણે વન વિભાગની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને વૃક્ષને ખસેડવાની કામગીરી શરૂ કરી દીધી છે. પાટણ જિલ્લામાં વરસાદે કેર વર્તાવ્યો છે, ક્યાંક લોકોનાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે, તો ક્યાં ઘરના પતરાં ઉડ્યા છે, તો વળી ક્યાંક વીજ પૉલ અને વૃક્ષો ધરાશાયી થવાથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.