ઉત્તર ગુજરાતમાં 23થી 25 તારીખ સુધી વરસાદની આગાહી? કઈ તારીખે કઈ-કઈ જગ્યાએ પડી શકે છે ધોધમાર વરસાદ? જાણો વિગત
abpasmita.in | 23 Jun 2019 11:19 AM (IST)
દક્ષિણ રાજસ્થાનમાં અપરએર સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમને લઈને શનિવારે બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટાં પડ્યા હતાં.
મહેસાણા: દક્ષિણ રાજસ્થાનમાં અપરએર સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમને લઈને શનિવારે બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટાં પડ્યા હતાં. તેમજ આગામી 3 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ રાજસ્થાનમાં તૈયાર થયેલી સિસ્ટમના કારણે મહેસાણાના વડનગર પંથક, પાટણ જિલ્લામાં પાટણ અને વારાહી પંથકમાં, સાબરકાંઠાના ઇડર પંથક તેમજ બનાસકાંઠા જિલ્લામાં હળવા ઝાપટાં પડ્યાં હતાં. વારાહીમાં ગઈ રાત્રે 10 મીનિટ ભારે પવન વચ્ચે ઝાપટું પડ્યું હતું. જેમાં પાવડીયા હનુમાન પાસે એક મકાનના નળીયા ઉડી ગયા હતા. ઉત્તર ગુજરાતમાં શનિવાર મોડી સાંજે 1થી 2 ઈંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, ઉત્તર ગુજરાતમાં 23 જૂને છુટાંછવાયાં હળવાં ઝાપટાં, 24 જૂને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. 25 જૂને ફરી એકવાર પાંચેય જિલ્લામાં વરસાદી ઝાપટાં પડી શકે છે.