અમદાવાદ: આગામી પાંચ દિવસ રાજ્યમાં સામાન્ય અને છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે.  ઉત્તર પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 6 ટકા વધુ વરસાદ નોંધાયો છે.  સૌરાષ્ટમાં સિઝનનો  22 ટકા વધુ વરસાદ નોંધાયો છે.  

આજે બે જિલ્લામાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ દ્વારા આગામી પાંચ દિવસમાં વરસાદની શક્યતા અંગે માહિતી આપવામાં આવી છે. સાથે જ તેમણે આજે બે જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજસ્થાનમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પાંચ દિવસ રાજ્યના  તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.  

વરસાદને લઈ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી

હવામાન નિષ્ણાંત  પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ 17-18 ઓગષ્ટ આસપાસ અરબી સમુદ્રમાં કરંટ  જોવા મળશે.  17 થી 21 ઓગષ્ટ સુધી અમુક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.  ઓગષ્ટના છેલ્લા અઠવાડિયામાં અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થશે અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે તેનાથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાનું અનુમાન છે.  ઓગષ્ટના અંતમાં અમુક જગ્યાએ અતિવૃષ્ટિનો માહોલ સર્જાવાની શક્યતા છે.  

વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આ મહિનાના અંત અને 7 સપ્ટેમ્બર સુધીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. તારીખ 16થી 24 ઓગસ્ટ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. જેમાં તારીખ 16-17 રાજ્યના કેટલાક ભાગોમાં ઝાંપટા પડી શકે છે.  20થી 25 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. 

સૌથી વધારે વરસાદ કચ્છમાં વરસ્યો છે

ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 68.19 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 86.68 ટકા, તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 78.09 ટકા વરસાદ  વરસી ચૂક્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 82.24 ટકા વરસાદ વરસ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં 50.98 ટકા અને મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 48.97 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.