Gujarat Rain: હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક ભારેથી મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરી છે. જેમાં કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે પોરબંદર, રાજકોટ, મોરબી, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 


તો બીજી તરફ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, રાજ્યના અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરેલા છે. જેના કારણે રહિશોને બારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


પોરબંદરમાં ધોધમાર વરસાદથી અનેક સોસાયટી પાણીમાં ગરકાવ


પોરબંદરમાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. મળતી જાણકારી અનુસાર ,પોરબંદરની અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થઇ હતી. ઉપરવાસનું પાણી ખાડીમાં આવતા સ્થિતિ બની વિકટ બની ગઇ છે. પોરબંદરમાં બે દિવસથી પડેલા સતત ભારે વરસાદના કારણે પાણી ખાડીમાં આવતા નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.


પોરબંદરમાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગાયત્રી મંદિર આસપાસની સોસાયટીમાં પાણી ભરાયા હતા. તે સિવાય વાળંદ સોસાયટીની અંદર કેડ સમા પાણી ભરાતા લોકોની મુશ્કેલીઓ વધી ગઇ છે. ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. ખાડીમાં પાણી વધતા જુબેલી, નર્સ ટેકરીને જોડતો રસ્તો બંધ કરાયો હતો.




આ ઉપરાંત ગાયત્રી મંદિર આસપાસની સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. પોરબંદરમાં બે દિવસમા અંદાજિત 15થી વધુ ઇંચ વરસાદ અને ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે ખાડીમાં પૂર આવ્યું હતું. આ ઉપરાંત રોકડિયા હુમાન મંદિર સામે આવેલ વાળંદ સોસાયટીની અંદર પાણી ભરાઇ ગયા હતા. જ્યારે આ સોસાયટીમાં અંદાજિત 50 થી 100 જેટલા ઘરોમાં કમર સુધી પાણી ભરાઇ ગયા હતા. તંત્ર તરફથી હાલમાં કોઈ સહાય આપવામાં આવી નથી જેને પગલે લોકોની હાલત કફોડી બની હતી.


મૂશળધાર વરસાદથી પોરબંદરમાં અલગ અલગ વિસ્તારોમાંથી રેસ્ક્યૂની કામગીરી કરવામાં આવી રહી છે. કુંભારવાળા, સુદામા પરોઠા હાઉસ જેવા વિસ્તારોમાં રેસ્ક્યૂની કામગીરી હાથ ધરાઇ હતી. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.


ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વરસાદ સંબંધિત ઘટનાઓના કારણે રાજ્યમાં વધુ 25 લોકોના મોત થયા હતા. આ સાથે ત્રણ દિવસમાં મૃત્યુઆંક 35 પર પહોંચી ગયો છે. વરસાદ અને પૂરના પ્રકોપનો સામનો કરી રહેલા ગુજરાતને રાહત મળવાની આશા નથી, હવામાન વિભાગે વધુ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.


આ પણ વાંચો...


વડોદરાવાસીઓ પર પૂર બાદ આવી નવી મુસીબત, એટલું પાણી ભરાયું કે છાપરા પર આવી ગયો મગર, જુઓ વીડિયો