Gujarat Rain: આજે બપોર બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જે બાદ ગ્રામ્ય વિસ્તારોમાં મૂશળધાર વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત મીતીયાળા, અભરામપરા, આંબરડી, મેવાસા, વાશિયાળી શેલના સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. નાળ ગામમાં ભારે વરસાદને લઈ સ્થાનિક નદીમા ઘોડાપૂર આવ્યું હતું.
સાવરકુંડલા ગ્રામ્યમાં વિસ્તારોમાં બપોર બાદ ધોધમાર વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. લુવારા ગામ નીકળતી સુરજવડી નદીમા ઘોડાપૂર આવ્યું હતું. સુરજવડી નદીમાં ઘોડાપૂર આવતા પાણીના પ્રવાહમાં ટેકટર તણાયુ હતું. લુવારા ગામના ખેડૂત વાડીએથી ટ્રેક્ટર લઈ ઘરે આવતા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. જો કે, બનાવમાં ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ થયો છે. આ ઘટનાનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.
સાવરકુંડલાના રામગઢ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમા ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદ પડતાં ગામની શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા હતા. રામગઢ નજીક આવેલ સ્થાનિક ચેકડેમ છલકાયો હતો. આ ઉપરાંત મોટા ભામોદ્રાં, ઠવી વીરડી, નાળ, ઘનશ્યામનગર, આદસંગ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. પડ્યો હતો.
નેવડી નદીમાં ઘોડાપૂર આવ્યું
આંબરડી ગામમાં સાંબેલાધાર વરસાદ ખાબકતા મધ્યમાંથી પસાર થતી નેવડી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. લીલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમા ધોધમાર વરસાદ પડતાં ખારા ગામમાં પસાર થતી ખારો નદીમા પૂર આવ્યું હતું. અમરેલી જિલ્લામા સતત મેઘ સવારી યથાવત જોવા મળી રહી છે. જિલ્લાના જાફરાબાદ શહેરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જાફરાબાદ શહેરમાં વરસાદ ખાબકતા શેરીઓમાં પાણી વહેતા થયા હતા. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
ખાંભા શહેર અને ગ્રામ્યમાં વરસાદી માહોલ
તો બીજી તરફ ખાંભા શહેર અને ગ્રામ્યમાં સતત બે કલાક મેઘમહેર જોવા મળી હતી. ખાંભા શહેર અને ઉપરવાસના ગામોમાં બપોર બાદ વરસાદી માહોલ છવાયો હતો. ભારે વરસાદ પડતા ખાંભા શહેરમાં પસાર થતી ઘાતરવડી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial