દેવભૂમિ દ્વારકા  : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં  સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં વરસાદના કારણે ભાળથર અને મોટી ખોખરી ગામની નદીમાં પૂર આવ્યું છે. નદીના પાણી ફરી વળતા ભાડથર અને ભીંડા ગામને જોડતો રસ્તો ધોવાઈ ગયો છે.  જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. 


પાનેલી, ગાંગલી, ચાસલાણા, દેવળિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખંભાળિયા અને સલાયા પંથકમાં વરસાદના કારણે નદી-નાળા છલકાયા છે.  સલાયા અને માંઢા ગામ વચ્ચે આવેલા પુલ પર પાણી ફરી વળ્યા છે.  


યાત્રાધામ દ્વારકામાં પણ છેલ્લા એક કલાકથી સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.  ધીમી ધારે વરસાદને લીધે તમામ રોડ રસ્તાઓ પર પાણી ફેરવાઈ ગયા છે. દ્વારકા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.  


સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી


સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જ્યાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે.  જો કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ અને વડોદરા જિલ્લામાં  ભારે વરસાદ વરસશે. 


આવતીકાલે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જામનગર, મોરબી, કચ્છ, આણંદ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ વરસશે. 


30 જૂને સુરત, નવસારી, વલસાડ, ભરૂચ અને ડાંગમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  1 જુલાઈના રોજ  અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લામાં  ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


હવામાન વિભાગના મતે, 1 થી 27 જૂન સુધીમાં 90 મીલીમીટર વરસાદ વરસવો જોઈએ.  તેની સામે 52 ટકા જ વરસાદ વરસ્યો છે.  એટલે કે, 48 ટકા વરસાદ હજુ ઓછો છે.  


ગુજરાતના 10 જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન


હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના 10 જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે.  વરસાદને લઇને હવામાન વિભાગે ગુજરાતના 10 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે.   13 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં સારા વરસાદનું અનુમાન છે.