આણંદ : હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આણંદ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આણંદ જિલ્લાના ખંભાતમાં વરસાદ વરસ્યો છે. ખંભાત શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને લઈ રસ્તાઓ ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખંભાત શહેરની બજારોમાં પાણી ફરી વળ્યા છે.
ખંભાતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
ખંભાત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લાંબા સમય બાદ અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો છે. ખંભાત શહેરના મોચીવાડ, ટાવર સહિતના નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ખંભાતના ભાલબારા ગોલણ, મીતલી, તરકપુર, પાંદડ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ચરોતરના ઉંદેલ, કાળી તલાવડી, ટીંબા, વટાદરા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
લાંબા વિરામ બાદ ખંભાત શહેરમાં વરસાદી માહોલ જામતા લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી છે. અંદાજે પાંચ દિવસ બાદ ખંભાત શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને લઈ અનેક જગ્યાએ પાણી ભરાવવાની સમસ્યાઓ પણ સામે આવી છે.
ગુજરાતના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાત માટે અત્યંત ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. હવામાન વિભાગ મુજબ અહીં ધોધમાર વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે પોતાની આગાહીમાં જણાવ્યું કે, ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે ધોધમાર વરસાદ ખાબકશે. આવતીકાલે ડાંગ, નવસારી, વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કાલે દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે.