Gujarat Rain: મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટાની સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. સાંબેલા ધાર વરસેલ વરસાદના કારણે મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો ક્યાંક ઝાડ પડ્યા તો ક્યાંક હોર્ડિંગ ધરાશાયી થયા હતા. મહીસાગર જિલ્લામાં વરસેલ વરસાદે તારાજી સર્જી છે.


 



મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટાની સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. લુણાવાડા શહેરમાં વરસેલ વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો સામે આવ્યા હતા. લુણાવાડા શહેરમાં બે કલાકની અંદર જ બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. લુણાવાડા શહેરમાં માંડવી બજાર, અસ્તાના બજાર, હુસેની ચોક, હાટડીયા બજાર સહિતના વિસ્તારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. તો ઘૂંટણ સમા પાણીના કારણે વાહનચાલકો અને રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વહેલી સવારે વરસાદના કારણે માડવી બજારમાં આવેલ શાક માર્કેટની અંદર અડધી લારીઓ પાણીની અંદર ઘરકાવ થઈ હતી.


મહીસાગર જિલ્લામાં વરસાદ વરસાદે ઠેર ઠેર પાણી પાણી કરી દીધું ત્યારે લુણાવાડા શહેરમાં હાલોલ શામળાજી હાઇવે ઉપર લીલાવતી હોસ્પિટલની પાસે ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. જેના કારણે તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની પોલ પણ ખુલી ગઈ હતી. હાઇવે ઉપર પાણી ભરાવાના કારણે હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.


મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કડાછલા ગામે લુણાવાડા અમદાવાદ હાઈવે પર થોડા દિવસ અગાઉ હાઇવે ઉપર લગાવવામાં આવેલ વિશાળ દિશા સૂચક બોર્ડ ધરાશાઈ થયું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે બે દિવસ અગાઉ જ લગાવવામાં આવેલ બોર્ડએ પ્રથમ વરસાદમાં જ તૂટી પડ્યું હતું. બોર્ડ માર્ગ ઉપર પડતા થોડો સમય માટે અમદાવાદ તરફ જતી ગાડીઓને બંધ કરવામાં આવી હતી અને જેસીબીની મદદથી બોર્ડને હટાવીને માર્ગને ખુલ્લો કરવામાં આવ્યો હતો. ત્યારે બે દિવસ અગાઉ જો બોર્ડ લગાડવામાં આવ્યું હોય તો કયા પ્રકારની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી હશે તે અંગે પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે અને જો બોર્ડ ત્યાંથી પસાર થતાં કોઈ વાહન ઉપર પડ્યું હોત તો જાનહાની પણ થઈ શકી હોત પરંતુ સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી.


મહીસાગર જિલ્લામાં ઠેર ઠેર વરસાદને કારણે પાણી ભરાવાના બનાવો સામે આવ્યા હતા ત્યારે વીજળીના કડાકાને ભડાકા સાથે થયેલ વરસાદને લઈ અને ખાનપુર તાલુકાના લવાણા ગામે એક ઝાડ ઉપર વીજળી પડી હતી પરંતુ સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. તો બીજી તરફ બાલાસિનોર તાલુકાના ડખરીયા ગામે વીજળી પડતા એક ભેંસ અને બકરીનું મોત નીપ્યું હતું. ખેડૂતની ભેંસ અને બકરીનું મોત નીપજતા ખેડૂતને માથે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું ત્યારે મહીસાગર જિલ્લાની અંદર વરસેલ વરસાદે તારાથી સર્જી છે.