Heavy rain Saurashtra South Gujarat: ગુજરાતમાં ચોમાસાની ધમધોકાટ શરૂઆત થઈ ગઈ છે, રાજ્યના અનેક જિલ્લાઓમાં સામાન્યથી લઈ ભારે વરસાદ પડવાનો પ્રારંભ થઈ ગયો છે. આ ચોમાસાના પ્રવેશ અને હવામાન વિભાગની આગાહીને ધ્યાને રાખીને રાજ્ય સરકારે સઘન સતર્કતાના પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ નાગરિકોના જાનમાલની રક્ષા માટે જરૂરી પગલાં લેવા અંગેની સૂચના જિલ્લા કલેક્ટર્સને આપી છે.
રાજ્ય સરકારના દિશાનિર્દેશો
રાજ્ય સરકારે હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને જરૂર જણાય ત્યાં તાત્કાલિક અસરથી લોકોનું સલામત સ્થાને સ્થળાંતર કરવા, ભરાયેલા પાણીના ઝડપી નિકાલ, તેમજ વીજ અને ખાદ્ય પુરવઠો, આરોગ્ય અને જીવનરક્ષક દવાઓ સહિતની બાબતોમાં પૂરી સતર્કતા અને અગમચેતી સાથે સજ્જ રહેવા જરૂરી દિશાનિર્દેશ આપ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને ભારે વરસાદમાં રાખવાની સાવધાની, તેમજ નદી નાળા વહેતા પાણીમાંથી પસાર ન થવા અંગેની સૂચનાઓ આપવામાં આવતી રહે તેવી તાકીદ પણ કલેક્ટર્સને કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં મેઘરાજાની જમાવટ
અમરેલી શહેર અને જિલ્લામાં ભારે ઉકળાટ બાદ વહેલી સવારથી મેઘરાજાનું આગમન થયું છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં મોડી રાતથી વરસાદ ખાબકી રહ્યો છે. આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં અમરેલી જિલ્લાના રાજુલામાં 66 મિ.મી., સાવરકુંડલામાં 58 મિ.મી., ખાંભામાં 37 મિ.મી., લીલીયામાં 35 મિ.મી., જાફરાબાદમાં 31 મિ.મી., બગસરામાં 20 મિ.મી., અને અમરેલીમાં 17 મિ.મી. વરસાદ ખાબક્યો છે. આ વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
ભાવનગરમાં પણ સોમવારે (16મી જૂન) આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. જેસરમાં 9 ઇંચ વરસાદ ખાબકી જતાં ચારેકોર પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન બુઢણાથી પાલિતાણાને જોડતાં કોઝ વેની રેલિંગ ધોવાઈ ગઈ હતી. જ્યારે પાલીતાણા, મહુઆ અને વલ્લભીપુરમાં વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી હતી. ભારે વરસાદને પગલે અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. રાજ્યમાં આજે સોમવારે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા દરમિયાન 163થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે.
17 જૂન માટે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદે ધમડાટી બોલાવી દીધી છે. આવતીકાલે 17 જૂને પણ મેઘરાજા અનેક જિલ્લાઓમાં દોડ મૂકવાની આગાહી કરાઈ છે. 17 જૂને જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મેઘગર્જના સાથે અત્યંત ભારે વરસાદને પગલે હવામાન વિભાગે રૅડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. આ પરિસ્થિતિને જોતા, નાગરિકો અને તંત્ર બંનેને સતર્ક અને સજ્જ રહેવું અત્યંત આવશ્યક છે.