અમરેલી : અમરેલી જિલ્લામાં સતત એક અઠવાડિયાથી વરસાદનો સિલસિલો યથાવત છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે પણ અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે. સાવરકુંડલા તાલુકાના અનેક ગામડાઓમાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે.
સાવરકુંડલા તાલુકાના ખોડિયાણા, બગોયા,આદસંગ ,કોદીયા, આંબરડી સહિતના ગામોમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. મિતિયાળા અભ્યારણ્ય અને જંગલ આસપાસ પણ વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે ખેતરો પણ પાણી પાણી થઈ ગયા છે.
અમરેલી જિલ્લામાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે અમરેલી જિલ્લામાં ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આજે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ભારે વરસાદ વરસ્યો છે. તાલુકાના અનેક ગામડાઓમાં આજે બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી.
આજે બપોરના 2 વાગ્યા સુધીમાં 128 તાલુકાઓમાં વરસાદ
રાજ્યમાં આ વર્ષે ધમાકેદાર ચોમાસાની શરુઆત થઈ છે. આજે પણ વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આજે બપોરના 2 વાગ્યા સુધીમાં 128 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. વિરમગામમાં સૌથી વધારે 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના કારણે વિરમગામ શહેરની શેરીઓમાં નદીઓ જેવા દ્રશ્યો જોવા મળ્યા છે.
ગુજરાતમાં આજે રવિવારે સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં 128 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ વિરમગામ તાલુકામાં 3.11 ઈંચ નોંધાયો છે. મહેસાણાના કડીમાં 2.5 ઈંચ, સુરતના ઉમરપાડામાં પણ વધારે વરસાદ વરસ્યો છે.
વિરમગામમાં 3.11 ઇંચ, બાવળામાં 1.22 ઇંચ, દેત્રોજ-રામપુરામાં 0.98 ઇંચ, અમદાવાદ શહેરમાં 0.51 ઇંચ, માંડલમાં 0.35 ઇંચ, ધોળકામાં 0.28 ઇંચ અને સાણંદમાં 0.08 ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે જિલ્લાના અનેક ભાગોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. મહેસાણાના કડીમાં 2.52 ઇંચ વરસાદ નોંધાયો છે.
ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 29.13 ટકા
રાજ્યનો ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 29.13 ટકા નોધાયો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં 31.20 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં 21.50 ટકા વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં 30.93 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 30.36 ટકા અને કચ્છ ઝોનમાં 23.7 ટકા સરેરાશ વરસાદ નોધાયો છે.
એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ
ગુજરાત પર વરસાદ લાવતી એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ હોવાથી હાલ ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે. દક્ષિણ સહિતના કેટલાક વિસ્તારને છોડીને ધીમી ધારે ખેતીના પાકને અનુકૂળ વરસાદ વરસતાં ખેડૂતો ખુશખુશાલ છે. હવામાન વિભાગે રાજ્યમાં ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે. આજે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. પોરબંદર, દ્વારકા, બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. સાબરકાંઠા, અરવલ્લી,મહીસાગરમાં ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. દાહોદ, પંચમહાલ, નવસારીમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. દમણ, દાદરા અને નગરહવેલીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.