Rain Update:હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે હાલ દક્ષિણ ગુજરાત પર વધુ વાદળો જોવા મળી રહ્યાં છે. છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા બે કલાકમાં 44 તાલુકામાં વરસાદ નોંધાયા છે. સુરતના બારડોલીમાં બે કલાકમાં 3.74 ઈંચ વરસાદ વરસ્યો છે. તો સુરતના મહુવામાં બે કલાકમાં 2.52 ઈંચ વરસાદ વરસ્યો છે. તાપીના વ્યારામાં બે કલાકમાં 2.48 ઈંચ,તાપીના સોનગઢમાં બે કલાકમાં 2.17 ઈંચ અને સુરતના માંડવીમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. સુરતના ઉમરપાડામાં બે કલાકમાં 1.26 ઈંચ વરસાદ વરસ્યો છે.
24 કલાકમાં રાજ્યના 170 તાલુકા પર મેઘરાજા મહેરબાન થયા છે. સૌથી વધુ સુરત શહેરમાં 13.6 ઈંચ વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં કામરેજમાં 10.7 ઈંચ, પલસાણામાં 8.2, બારડોલીમાં 6.6 ઈંચ, ઓલપાડમાં 5 ઈંચ, ચૌર્યાસીમાં 4.3 ઈંચ, સુરત જિલ્લાના માંડવીમાં 3.5 ઈંચ, ભરૂચ અને નવસારીમાં 3-3 ઈંચ,તાપી જિલ્લાના વ્યારામાં 3.7 ઈંચ વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાએ જમાવટ કરી છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાત પર બેથી વધુ સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ અને અન્ય મોડલના આંકલન મુજબ ગુજરાતમાં 27 જૂન સુધી વરસાદનું અનુમાન છે. 27 જૂન સુધીમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે તો કેટલાકમાં મધ્યમ વરસાદનું અનુમાન છે.
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી છે. ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં રથયાત્રાના દિવસે પણ મેઘરાજાનું આગમન થઇ શકે છે,અમદાવાદમાં વરસાદનું આજે યલો એલર્ટ અપાયું છે. આજે દાહોદ, વડોદરામાં ભારે વરસાદનું એલર્ટ છે. આજે નવસારી, છોટાઉદેપુરમાં ભારે વરસાદનું એલર્ટ છે. ગીર સોમનાથ, ભાવનગર, દ્વારકામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 27 બાદ એકાદ દિવસ વરસાદ વિરામ લઇ શકે છે પરંતુ હવામાન વિભાગના અનુમાન મુજબ વધુ એક સિસ્ટમ સક્રિય થતાં ફરી 28થી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થઇ શકે છે જેના પગલે જૂનના અંત અને જુલાઇની 1થી 2 તારીખ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે.