Gujarat Rain: રાજ્યમાં આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે. દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત મેઘરાજા મહેરબાન થયા છે. સુરત, નવસારી અને વલસાડમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં ચોમાસાએ ફરી જોર પકડ્યું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 6 દિવસ સુધી રાજ્યમાં ભારેથી લઈ સામાન્ય વરસાદ વરસી શકે છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
ગુજરાતના આ જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી
રાજ્યમાં આજે સુરત,તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આજે મેઘરાજા જમાવટ કરશે. ખાસ કરીને વલસાડ અને નવસારીમાં અતિભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમા વરસાદની શક્યતા છે. જેમાં કચ્છ જિલ્લમાં પણ વરસાદનું અનુમાન છે. રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર,દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, અમદાવાદ અને ગાંધીનગરમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
બુધવારે આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ
22 જુલાઈ બુધવારના દિવસે રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન છે. સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય ડાંગ અને તાપીમાં પણ વરસાદની શક્યતા છે. ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
25 જુલાઈએ આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ 25 જુલાઈના રોજ પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. જેમાં અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. . હવામાન વિભાગે આગામી 6 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના હોવાથી તંત્રને પણ સતર્ક રહેવા સૂચના આપી છે.
આ પણ વાંચો- Surat Rain: સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, જનજીવન પ્રભાવિત
રાજ્યમાં નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે ત્યાં ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. જ્યારે સુરત અને તાપી જિલ્લામાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદ દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. નદી-નાળાઓમાં જળસ્તર વધવા અને શહેરી વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
