આણંદ :  હવામાન વિભાગે આજે રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં સામાન્યથી લઈને ભારે વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે પણ અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. બોરસદમાં ભારે પવન સાથે તોફાની વરસાદ વરસ્યો છે. બોરસદમાં બે કલાકમાં ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. 

બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો

આણંદ જિલ્લાના બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. બોરસદમાં ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે તોફાની વરસાદ વરસ્યો છે. આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.  

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

બોરસદ શહેરના પાંચવડ વિસ્તાર, રબારી ચકલા, ભોભાફળી, આણંદ ચોકડી, વાસદ ચોકડી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

શું છે હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલ એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે, ગુજરાતમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 112 ટકા વધુ વરસાદ વરસ્યો છે. દરિયામાં ઊંચા મોજા ઉછળવાની સંભાવના હોવાથી માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. 

8 જુલાઈ મંગળવારની આગાહી

આગામી 8 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  જેમાં દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.

આ સિવાય આગામી ત્રણ દિવસ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના 10 થી વધુ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

આગામી 48 કલાક અતિ ભારે

આ ચોમાસામાં મેઘરાજાએ આખા ગુજરાતને શરૂઆતથી જ ઘમરોળી નાંખ્યુ છે, જુલાઇ મહિનાના હજુ તો માત્ર 6 દિવસથી જ ત્યાં છે. ત્યાં 40 ટકા કરતા વધુ વરસાદ વરસી ગયો છે. અને હજુ પણ ધોધમાર વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના અલગ અલગ જિલ્લામાં મુશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગે હજુ ગુજરાત માટે 48 કલાક અતિ ભારે હોવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી કરી છે.