લુણાવાડા: હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહી વચ્ચે આજે મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ અને બફારા બાદ લુણાવાડા શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. લુણાવાડા શહેરમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે અનરાધાર વરસાદ વરસ્યો છે.
મેઈન બજારોમાં ફરી વળ્યા પાણી
ભારે વરસાદને લઈને લુણાવાડા શહેરમાં રસ્તોઓ પર પાણી ફરી વળ્યા છે. લુણાવાડા શહેરના માંડવી બજાર, હાટડીયા બજાર, હુસેની ચોક, વરધરી રોડ સહિતના માર્ગો પાણી-પાણી થયા છે. શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે.
ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ
મહીસાગર જિલ્લામાં બે કલાકની અંદર ધોધમાર વરસાદ ખાબક્યો છે. કડાણા તાલુકામાં બે કલાકમાં બે ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. લુણાવાડા તાલુકામાં બે કલાકમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે. સંતરામપુર તાલુકામાં પણ અડધા ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. મહીસાગર જિલ્લામાં બે કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગની ભારે વરસાદને લઈ આગાહી
હવામાન વિભાગે આજે શુક્રવારે (5 સપ્ટેમ્બર) દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે. આજે કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. હવામાન વિભાગે નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. આ સિવાય રાજ્યના 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જેમાં સુરત, તાપી, નર્મદા, ભરુચ, છોટા ઉદેપુર, ભાવનગર, અમરેલી, બોટાદનો સમાવેશ થાય છે. જ્યારે કેટલાક જિલ્લામા મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે.
રેડ એલર્ટઃ ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી
ઓરેન્જ એલર્ટઃ તાપી, સુરત, નર્મદા, ભરુચ, છોટા ઉદેપુર, ભાવનગર, અમરેલી, બોટાદ
યલો એલર્ટઃ દીવ, ગીર-સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી.
સરેરાશ 90.81 ટકા વરસાદ વરસ્યો
રાજ્યમાં સિઝનનો સરેરાશ 90.81 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 95.31 ટકા, દક્ષિણ ગુજરાતમાં 94.48 ટકા, પૂર્વ મધ્યમાં 90.58 ટકા, કચ્છમાં 85.14 ટકા અને સૌરાષ્ટ્રમાં 84.48 ટકા વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં 108 ડેમ હાઈ એલર્ટ પર છે, જ્યારે 80 ડેમ 100 ટકા ભરાયેલા છે. આ સિવાય 30 ડેમ એલર્ટ અને 9 ડેમ વોર્નિંગ પર છે. જ્યારે 67 ડેમ 70 થી 100 ટકા, 25 ડેમ 50 થી 70 ટકા અને 18 ડેમ 25 થી 50 ટકા ભરાયેલા છે. 16 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે.