Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે અમરેલી વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. પહેલા ધારી વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો તે બાદ અમરેલીમાં પણ કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ વિસ્તારમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. જે બાદ કરા સાથે ભારે વરસાદ થતાં ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. ભારે પવન અને ગાજવીજ સાથે અમરેલીમાં વરસાદ પડતા કેરીના પાકને મોટું નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે.
ધારી પંથકના ગોવિંદપુર, સુખપુર, કાંગસા સહિતના ગામોમાં પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. ભારે પવનના કારણે સુખપુર નજીક વીજ પોલ ધરાશાયી થયો છે. ભારે વરસાદને કારણે વાડી-ખેતરમાંથી વરસાદી પાણી વહેતા થયા છે. ગોવિંદપુર અને સુખપુર ગામના સ્થાનિક નદી નાળા વહેતા થયા છે. તો બીજી તરફ ગોવિંદપુર નજીક આવેલ એક ચેકડેમ પણ છલકાયો છે.
તો આ તરફ લાઠી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. લાઠીના અકાળા, કેરાળા સહિતના વિસ્તારમાં પવન સાથે વરસાદ પડ્યો છે. લાઠી શહેરમાં પવન સાથે કમોસમી વરસાદ શરૂ થતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે પરંતુ ખેડૂતોની ચિંતા વધી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ખેતીમાં ભારે નુકસાન જવાની ભીતિ છે.
હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાતમાં આવનારા ચારથી પાંચ દિવસ સુધી ભારત સહિત ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. માર્ચના ભરઉનાળે કેટલાક જિલ્લામાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ,માં હળવા ઝાપટાની કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં 2થી 5 ડિગ્રી તાપમાન ઘટશે, આવતી કાલે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદમાં પડી શકે. હવામાન વિભાગની આગાહી મુજબ 40 કિમીની પ્રતિ ઝડપે પવન ફુંકવાની સાથે બનાસકાંઠા, સાબરકાંઠા,રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગરમાં વરસાદનો અનુમાન છે. દક્ષિણ ગુજરાત અને કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડી શકે છે. રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતાને જોતા ખેડૂતોને પાકને સલામત જગ્યાએ રાખવા સૂચના અપાઇ છે.
માવઠાની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો.. સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં તેજ પવન ફૂંકાયો.. તો અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયું વાતવરણ છવાયુ.. એટલું જ નહીં શહેરના કેટલાક વિસ્તારમાં ધુળિયા વાતાવરણથી વાહનચાલકો પરેશાન થયા.. તો આ તરફ વડોદરાના સાવલી અને ડેસર તાલુકામાં વાતાવરણમાં પલટો.. વીજળીના ચમકારા સાથે કાળા વાદળો જોવા મળ્યા..તો બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ સર્જાયો.. ધાનેરા,લાખણી,દાંતીવાડા,ડીસા સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. કાપણી સમયે તેજ પવન ફૂંકાતા રાજગરો, એરંડા, જીરુ, ઘઉં સહિતના પાકોમાં નુકસાનની ભીતિ... સૌરાષ્ટ્રમાં અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં વાદળછાયું વાતવરણ સર્જાયું.. શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડ઼્યા.. જ્યારે અમરેલીના વડીયામાં ઝરમર વરસાદ થયો.. વાતાવરણમાં પલટાને કારણે સૌરાષ્ટ્રમાં કેરી, ઘઉં સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ છે.. જેને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે.