અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડાસા અને મેઘરજમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ઉમેદપુર, ઈસરોલ, જીવનપુર પંથકમાં વરસાદી માહોલ છે. વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
બનાસકાંઠાની ધાનેરાની રેલ નદીમાં ફરી નવા નીર આવ્યા છે. રાજોડા-રૂની-આલવાડા-રામપુરા ગામ સુધી નીર પહોંચ્યા છે. ભારે વરસાદના કારણે વ્હોળા અને ખેતરના પાણી નદીમાં વહેતા થયા છે. ચાલુ વર્ષે રેલ નદીમાં બીજી વાર નવા નીર આવ્યા છે. ધાનેરામાં પાણીની સમસ્યા અને ચાલુ વર્ષે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશી છે.
વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન થયું છે. હિંમતનગર પંથકમાં મોડી સાંજે વરસાદનું આગમન થયું છે. હિંમતનગર શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે. ગઢોડા,હડિયોલ,કાટવાડ,સાબરડેરી,નવી સિવિલ પંથકમાં વરસાદ વરસ્યો છે. વરસાદને લઇ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે. વાવેતર બાદ વરસાદ વરસતા પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યાના 4 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ પોરબંદર ,જામનગર , કચ્છ અને દ્વારકામાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા ,પાટણ , મહેસાણા , સાબરકાંઠા , સુરત , જૂનાગઢ , ગીર સોમનાથ અને દિવ માં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરવલ્લી , અમદાવાદ , ગાંધીનગર , ખેડા , આણંદ , પંચમહાલ , વડોદરા , ભરૂચ , નવસારી , વલસાડ અને તાપી , સુરેન્દ્રનગર , રાજકોટ , અમરેલી અને મોરબીમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આગામી 3 દિવસ માટે માછીમારોને ભારે પવન અને દરિયો તોફાની રહેવાના કારણે દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગના ડૉ મનોરમા મોહંતીએ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે બે દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની શક્યતા છે. ગુજરાતના કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે.