દાહોદ: દાહોદ શહેર સહિત જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે.નદી, નાળા, તળાવો, ડેમ વગેરે જળાશયોમાં નવા નીરોની આવક થઈ છે. નદીઓ બે કાંઠે વહેલા લાગી છે. જિલ્લામાં ભારે વરસાદ પડતા અનેક જગ્યાએ પાણી ભરાયા છે. મામલતદાર કચેરીની અંદર પાણી ભરાઈ ગયા તેમજ તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં પણ પાણી ભરાતાં મીની તળાવ બની ગયું હતું. 


દાહોદ જિલ્લાના ડેમોમાં પણ પાણીની સપાટી વધી છે. જિલ્લાના ત્રણ ડેમો ઓવરફ્લો થયા છે. વાંકલેશ્વર ડેમ, માછળનાળા ડેમ અને ઉમરિયા ડેમની જળ સપાટી વધવા લાગી છે.  ઝાલોદ તાલુકામાં આવેલા માછળનાળા ડેમમાં વરસાદી પાણી આવતા સપાટી પણ 275.90 મીટરને સ્પર્શી ગઈ છે. જેને પગલે આ ડેમની આસપાસ આવેલ ચિત્રોડીયા, ધાવડિયા, મહુડી, મુનખોસલા, માંડલી ખુંટા, થેરકા, ભાણપુર, ખરસાણા, મેલનીયા, વરોડ અને નાનસલાઈ સહિતના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. 




લીમખેડા તાલુકામાં આવેલો ઉમરિયા ડેમ પણ ઓફરફ્લો થયો છે, જેને પગલે 10 ગામોને સાવચેતીના પગલા માટે એલર્ટ કરાયા છે. ઉમરિયા ડેમની પૂર્ણ સપાટી 285 મીટરની છે. આજની તારીખ 16 સપ્ટેમ્બર ના રોજ બપોરે 2 કલાકે આ ડેમની સપાટી 285 મીટરે પહોંચી છે. ડેમ પાણીથી હાલ ભરેલો છે. તેમજ હજુ પણ પાણીની આવક વધવાની શકયતાએ હાલની સપાટી હાઈ એલર્ટ સ્ટેજના લેવલે થયેલી છે. ડેમના હેઠવાસના લીમખેડા તાલુકાના અગારા, આંબા, પટવાણ, ચેડીયા, ઢઢેલા, કુણધા, નિનામના ખાખરીયા, વિસંલગા, પાડોળા મળી 10 ગામોને સાવચેતીના પગલે સબંધિત સ્થાનિક લોકો ગ્રામ પંચાયત તેમજ તલાટી કમ મંત્રી, મામલતદાર, પ્રાંત અધિકારી તાલુકા વિકાસ અધિકારીને સૂચના આપવામાં આવી છે.


ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદ વરસશે. આજે છોટાઉદેપુર અને નર્મદામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરાઈ છે. 


અમદાવાદ, વલસાડ, દાહોદમાં જિલ્લામાં પણ વરસાદી માહોલ રહેશે.  ગાજવીજ સાથે અનેક જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે.  દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, દમણમાં અતિભારે વરસાદની આગાહી અંબાલાલે કરી છે. આ સિવાય પંચમહાલ, વડોદરા અને સુરતમાં પણ ભારે વરસાદની આગાહી તેમના દ્વારા કરાઈ છે. 


ઉતર ગુજરાતના પાટણ, ખેડા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  ત્રણ દિવસના વરસાદ બાદ અન્ય સિસ્ટમ સક્રિય થતાં સપ્ટેમ્બર મહિનાના અંત સુધી રાજ્યમાં વરસાદ વરસશે.