ગ્રામ્ય વિસ્તારમાં પડેલા આ વરસાદના કારણે અનેક ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળતા તેમના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અમરેલી જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને એકથી સાડા ત્રણ ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો.
અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ, ખાંભા સહિતના તાલુકાઓમાં ગાજવીજ સાથે વરસાદ તુટી પડ્યો હતો. રાજુલા શહેર અને પીપાવાવ પોર્ટ, છતડિયા, ભેરાઈ, કાતર, જાફરાબાદ તાલુકાના ટીંબી, હેમાળ, લોઠપુર, ભાકોદર, દુધાળા, વાંઢ, ખાંભાના ડેડાણ, ત્રાકુડા, ભાવરડી, નીંગાળા, જામકા, મોટા બારમણ સહિતના ગામોમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય ગીર સોમનાથ જિલ્લામાં પણ ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા.
ગત મોડી રાતે ભાવનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભાવનગર નજીકના સિદસર, અઘેવાડા, રૂવા સહિતનાં ગામોમાં પણ વરસાદ નોંધાયો હતો. આ સિવાય શહેરના સુભાષનગરમાં આવેલા મંદિરના ઘુમ્મટ પર વીજળી પડી હતી. જોકે આ બનાવમાં કોઈને જાનહાનિ થઈ નથી. રાજકોટના ઉપલેટા અને આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ થયો હતો. તાલાલાના ગ્રામ્ય વિસ્તારો સુરવા, ધાવા, માધુપુર, જામ્બુર સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો.
દેવભૂમિ દ્વારકાના જામકલ્યાણપુરમાં આભ ફાટ્યા હોય તેવી જેવી સ્થિતિ સર્જાઈ હતી. 2 કલાકમાં 4 ઈચ જેટલો વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે રસ્તાઓ અને કોઝવે પર પાણી ફરી વળ્યાં હતા તો 2 કલાકમાં પડેલા ભારે વરસાદને પગલે નદીઓ બે કાંઠે થતાં હરિપર કલ્યાણપુરને જોડતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. આ સિવાય કચ્છમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોના મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા.
આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠાના ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, ભિલોડા અને વિજયનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે બનાસકાંઠામાં ભારે પવન સાથે પાલનપુર, ડીસા ,વાવ, થરાદ અને અમીરગઢમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અડધા કલાકમાં દોઢ ઈંચથી વધારે વરસાદ પડ્યો હતો.