રાજકોટ: રાજ્યમાં આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ મળ્યો છે. જૂનાગઢના માંગરોળમાં સવારે 6થી 8 વાગ્યા સુધીમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ભાવનગરમાં ધોધમાર વરસાદ બાદ ખારીગામ નદી વહી બે કાંઠે વહેતી થઈ હતી. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 29 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. ત્યારે રાજ્યમાં સીઝનનો અત્યાર સુધી 43.15% જેટલો વરસાદી વરસી ચૂક્યો છે.


હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં આજે સવારે ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો જેમાં જૂનાગઢના માંગરોળ, સુત્રાપાડા, વેરાવળ અને કોડીનારમાં ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. ભારે વરસાદ ખાબકતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

સવારે 6થી 8 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માંગરોળમાં નોંધાયો છે. માંગરોળમાં 2 કલાકમાં ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતાં. જ્યારે ગીર સોમનાથના સુત્રાપાડામાં 2 કલાકમા 3 ઈંચ, વેરાવળમાં દોઢ ઈંચ અને કોડીનારમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 29 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. અત્યાર સુધી સિઝનનો 43.15 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં કચ્છમાં સિઝનનો 89.92 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો 73.77 ટકા, દક્ષિણ ગુજરાતમાં 31.41 ટકા, મધ્ય ગુજરાતમાં સીઝનનો 28.23 ટકા અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો 29 ટકા વરસાદ નોંધાયો છે.